કાંકરિયાની એન્ટ્રી ફીમાં રૂ.બેથી ત્રણનો વધારો થશે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કાંકરિયા લેકફ્રન્ટમાં પ્રવેશવાનું હવે સામાન્ય નાગરિકો માટે મોંઘું બનશે, કેમ કે ગત તા.૧ જુલાઇથી અમલમાં મુકાયેલા જીએસટીની અસર મ્યુનિસિપલ કોર્પોરેશનની સેવા પર પણ પડી છે, જેના કારણે કાંકરિયા લેકફ્રન્ટમાં હવે પાંચથી બાર વર્ષનાં બાળકે રૂ.પાંચના બદલે રૂ. સાત અને બાર વર્ષથી ઉપરની વ્યક્તિએ રૂ.૧૦ના બદલે રૂ.૧૩ એન્ટ્રી ફી ચૂકવવાની તૈયારી રાખવી પડશે. આ ભાવવધારાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીને દર મહિને આવકમાં રૂ.૮ થી ૧૦ લાખ અને વર્ષે અંદાજે રૂ.એક કરોડનો વધારો થશે.

આગામી ગુરુવારે સાંજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડામાં કાંકરિયા લેકફ્રન્ટ વિભાગ દ્વારા એન્ટ્રી ફી પર વસૂલવાના થતા ર૮ ટકા જીએસટીના કારણે તેની ફીમાં વધારો કરવાની દરખાસ્ત મંજૂરી માટે મુકાઇ છે. તંત્રની દરખાસ્તમાં ફક્ત શૈક્ષણિક પ્રવાસના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીદીઠ રૂ.૧ની ફી યથાવત્ રખાઇ છે. આ સિવાય બાળક, પુખ્ત વયની વ્યક્તિની એન્ટ્રી ફીમાં ક્રમશઃ રૂ.બે અને ત્રણનો સૂચિત વધારો કરાયો છે.

કાંકરિયા લેકફ્રન્ટ ખાતે સવારના સમયગાળામાં મોર્નિંગ વોક માટે મફત પ્રવેશ છે, પરંતુ સાંજના ઇવ‌િનંગ વોકર્સ માટે અગાઉ માસિક પાસનો દર રૂ.૧૦૦ હતો, જેના હવે ઇવ‌િનંગ વોકર્સે રૂ.૧૩૦ ચૂકવવાની તૈયારી રાખવી પડશે. કાંકરિયા લેકફ્રન્ટમાં ઝૂ અને બાલવાટિકાની એન્ટ્રી ફીને જીએસટી લાગુ ન પડતો હોઇ તેની ફી યથાવત્ રહેશે, પરંતુ અન્ય મનોરંજક પ્રવૃત્તિની ફીમાં પણ વધારો તોળાઇ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કાંકરિયા લેકફ્રન્ટની દૈનિક દશ હજાર સહેલાણીઓ મુલાકાત લેતા હોઇ તેનાથી તંત્રને મહિને રૂ.૩પ થી ૪૦ લાખ અને વા‌િર્ષક રૂ.૪ થી પ કરોડની આવક થઇ રહી છે.
http://sambhaavnews.com/

You might also like