કાંકરિયામાં 4-D ફિલ્મ સહિત ડિજિટલ ટેકનો.નો રોમાંચ માણી શકાશે

અમદાવાદ: અમદાવાદીઓ માટે કાંકરિયા લેકફ્રન્ટ સહપરિવાર આનંદપ્રમોદ કરવાનું પ્રિય સ્થળ બન્યું છે. ગત તા. ૧ જાન્યુઆરી, ૨૦૦૯થી આશરે રૂ. ૩૬ કરોડના ખર્ચે નવા રંગરૂપ ધારણ કરેલા કાંકરિયા લેકફ્રન્ટમાં ભાજપના શાસકો મુલાકાતીઓ માટે હરહંમેશાં કંઈ ને કંઈ નવાં આકર્ષણો ઉમેરી રહ્યાં છે. હવે આગામી દિવસોમાં મુલાકાતીઓને ડિજિટલ ટેકનોલોજીનાં નવાં આકર્ષણનો લહાવો મળશે.

ગત તા. પચીસથી ૩૧ ડિસેમ્બર, ૨૦૦૮ દરમિયાન શાસકોએ નવનિર્મિત કાંકરિયા લેકફ્રન્ટ ખાતે પ્રથમ કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરી હતી. ત્યાર પછીનાં વર્ષોમાં દર વર્ષે આ સમયગાળામાં ધમાકેદાર કાંકરિયા કાર્નિવલનું આયોજન થાય છે, જેનો આનંદ માણવા રાજ્યભરમાંથી હજારો મુલાકાતીઓ ઊમટી પડે છે. છેલ્લા ડિસેમ્બર, ૨૦૧૫ના કાર્નિવલનો પણ કુલ ૨૫ લાખથી વધુ મુલાકાતીઓએ આનંદ માણ્યો હતો.

કાંકરિયા લેકફ્રન્ટનો હવાલો સંભાળતાં દક્ષિણ ઝોનના ડેપ્યુટી કમિશનર સી. આર. ખરસાણ કહે છે, ”કાંકરિયામાં મુલાકાતીઓ માટે નવાં નવાં આકર્ષણ ઉમેરવાનાં તંત્રના અભિગમ હેઠળ આગામી દિવસોમાં ડિજિટલ ટેકનોલોજી હેઠળના વિવિધ પ્રોજેક્ટની મુલાકાતીઓ મજા માણી શકશે. આ માટે વિવિધ એજન્સીઓ પાસેથી એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મગાવ્યાં છે.”

ડિજિટલ ટેકનોલોજી આધારિત સંભવિત વિભિન્ન પ્રોજેક્ટ્સમાં ફોર ડી ઇફેક્ટ પ્રોજેક્શન, થ્રી ડી પ્રોજેક્શન મેપિંગ, ઓગનેન્ટેન્ડ રિયાલિટી, ટચસ્ક્રીન કિઓસ્ક, ડિજિટલ સાઇનેજિસ વગેરેનો સમાવેશ થાય છે, તેમ પણ ડેપ્યુટી કમિશનર ખરસાણ કહે છે.

એલઈડી સ્ક્રીનમાં મુલાકાતીને મળવા સિંહ કે ડાયનાસોર આવશે
છેલ્લા કાર્નિવલમાં સત્તાવાળાઓએ વ્યાયામ શાળા પાસે ઓગનેન્ટેન્ડ રિયાલિટી હેઠળ હંગામી ધોરણે એલઈડી ટીવી સ્ક્રીન મૂક્યો હતો, જેની સામે મુલાકાતી ઊભા રહે તો સ્ક્રીનની અંદર તો તેમનું ચિત્ર ઉપસી આવે, પરંતુ મુલાકાતીને મળવા અચાનક સ્ક્રીનમાં સિંહ કે ડાયનાસોર આવી ચઢતો હતો. હવે તંત્ર કાયમી ધોરણે આવાં સ્ક્રીન મૂકશે.

ફોર ડી સાથેની સાત ફિલ્મ દર્શાવાશે
ડિજિટલ ટેકનોલોજીની મદદથી કાંકરિયા લેક ફ્રન્ટમાં ભૂલકાંઓને ફોર ડી ઇમેજ ધરાવતી બાળ ફિલ્મો જોવાનો આનંદ આગામી દિવસોમાં મળી શકશે. ફોર ડી ઇમેજમાં કોઈ પણ વસ્તુ કે માનવી પ્રાણી સામેથી પોતાની નજીક આવતાં બાળકો અનુભવશે.

મુલાકાતીઓ માટે ટચસ્ક્રીન કિઓસ્ક, ડિજિટલ સાઇનેજિસ મુકાશે
સત્તાવાળાએ કાંકરિયા લેકફ્રન્ટને લગતી તમામ માહિતીઓ મુલાકાતીઓને આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવા ટચસ્ક્રીન કિઓસ્ક મુકાશે, જે દ્વિમાર્ગી પ્રશ્ન અને ઉત્તરના રૂપમાં હશે તેમજ ડિજિટલ સાઇનેજિસ બોર્ડ પણ મુલાકાતીઓને આકર્ષશે.

You might also like