ભગવાન જગન્નાથજીનો ભાઈ-બહેન સાથે નિજ મંદિરે પ્રવેશ

અમદાવાદ: ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી આજે મામાના ઘરે ૧૫ દિવસના રોકાણ બાદ નિજ મંદિરમાં પધાર્યા છે. સૂના પડેલા મંદિરમાં ભગવાન બિરાજતાં જ સવારથી ભક્તોનાં ઘોડાપૂર ઊમટ્યાં છે. મોસાળમાં તેઓએ જાંબુ અને કેરી વધુ ખાધાં હોવાથી તેમની આંખો આવી છે. તેઓ બીમાર પડ્યા હોવાથી સવારે ૭-૩૦ કલાકે વિશેષ પૂજા અને મંત્રોચ્ચાર સાથે ચંદનના લેપ સાથેના પાટા ભગવાનની આંખો પર બાંધવામાં આવ્યા છે, જેને નેત્રોત્સવવિધિ કહેવાય છે. હવે ઔષધિઓથી તેમને સ્વસ્થ કરાશે.

આજે સવારે ૯-૩૦ કલાકથી મંદિરમાં ધ્વજારોહાણવિધિ અને મહાઆરતી યોજાઈ હતી, જેમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, શહેરના મેયર ગૌતમભાઈ શાહ સહિત ૨૦૦૦થી વધુ સાધુ-સંતો અને ભક્તો હાજર રહ્યા હતા. આજે ૧૧-૩૦ કલાકે વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા, યાત્રાધામ વિકાસ પ્રધાન દિલીપ ઠાકોર સહિતની ઉપસ્થિતિમાં સાધુ-સંતો માટે ભંડારો અને વસ્ત્રદાનવિધિ યોજાઈ હતી.

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી દ્વારા રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં આવેલા સાધુ-સંતોનું ભોજન ગ્રહણ બાદ વસ્ત્રદાન કરી સન્માન કરાયું હતું. આ ભંડારો વર્ષમાં એક જ વાર યોજાય છે. તેથી શ્રદ્ધાળુઓ આતુરતાપૂર્વક તેની રાહ જુએ છે. ભંડારામાં ભાગ લેવા મથુરા, વૃંદાવન અને હરિદ્વાર, ઋષીકેશથી પણ સંતો આવ્યા છે.

ભગવાનની આંખ પર જે પાટા બાંધવામાં આવે છે તેને ઉપરણું કહેવાય છે. તેથી ઉપરણાને પ્રસાદ ગણીને રથયાત્રાના દિવસે તેનું િવતરણ થશે. અઢી લાખ ઉપરણાનો પ્રસાદ તૈયાર કરાયો છે.

રાજા ઈન્દ્રદ્યુમ્ને જ્યારે ભગવાન જગન્નાથજી, ભગવાન બળદેવજી અને બહેન સુભદ્રાનો ભવ્ય અભિષેક કર્યાે હતાે ત્યારે ઈન્દ્રદ્યુમ્નનો ભક્તિભાવ જોઈને ભગવાને બીમાર થવાની લીલા કરી હતી, જેના કારણે રાજા ઈન્દ્રદ્યુમ્ને ભગવાનને આયુર્વેદિક ઔષધિઓ આપીને સ્વસ્થ કરવા પ્રયાસ કર્યાે હતાે. સ્કંદપુરાણમાં ઉલ્લેખ છે કે જગન્નાથ મંદિરમાં થતા ૧૨ ઉત્સવમાં એક સ્નાનયાત્રાનો ઉત્સવ છે. આ ઉત્સવ પછી ભગવાન મોસા‍ળ જાય છે અને મંદિરનાં દ્વાર ૧૫ દિવસ બંધ કરી દેવામાં આવે છે. જગન્નાથપુરી મંદિરમાં પણ આ પ્રકારે દ્વાર બંધ રહે છે.

આ બે દિવસ દરમિયાન પુરીથી આવેલા ઔષધીય ઉકાળા ભગવાનને ધરાશે. માત્ર બાફેલા મગ જેવો સાદો ભોગ ધરાવાશે. આજથી ત્રણ દિવસ ભગવાનના જુદા જુદા શણગાર જોવા મળશે. કાલે ભગવાન સોનાવેશમાં જોવા મળશે.
સમગ્ર મંદિર પરિસર રોશનીથી શણગારવામાં આવ્યું છે. મગદાન માટે શ્રદ્ધાળુઓની લાઈન જોવા મળે છે. આજે વિશેષરૂપે ગાયનું પૂજન કરાયું હતું. રાજ્યમાં સારો વરસાદ થાય તે માટે ઈન્દ્રદેવને ખાસ પ્રાર્થના કરાઈ હતી. ભગવાન આજે નિજ મંદિરે આવતા હોઈ ‘કાળી રોટી’ માલપૂઆ અને ‘ધોળી દાલ’ દૂધપાકનો ભંડારો મંદિરમાં યોજાયો હતો.
આજે નેત્રોત્સવવિધિ, ભંડારો, ધ્વજારોહણ કાર્યક્રમમાં ૭થી ૮ હજાર ભક્તોએ ભાગ લીધો હતો.
http://sambhaavnews.com/

You might also like