અમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી

અમદાવાદઃ ગયા મંગળવારે બોડકદેવ સ્થિત અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને ઔડા દ્વારા ફાળવાયેલા પ્લોટનો કબજો પરત લેવાના હાઇકોર્ટના આદેશ બાદથી તમામ ૧૪ સ્કૂલને પ્લે ગ્રાઉન્ડનાં હેતુથી અપાયેલા પ્લોટ વિવાદાસ્પદ બન્યાં છે. અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકોએ પ્લે ગ્રાઉન્ડના બદલે પાર્કિંગ પ્લોટ કરીને સ્થાનિક લોકોને પ્રવેશવા પર પ્રતિબંધ લગાવતાં સમગ્ર મામલો કોર્ટે ચઢયો હતો.

ઔડા દ્વારા જે તે વખતે બોડકદેવ, થલતેજ, વેજલપુર જેવા વિસ્તારમાં કુલ ૧૪ સ્કૂલને રૂ.ચાર અબજથી વધુ કિંમત ધરાવતા પ્લોટની લહાણી કરાઇ હતી. આ મહામૂલા તમામ પ્લોટ તંત્રે નજીવા ભાડા પટ્ટે સ્કૂલોને આપ્યા, પરંતુ ભાડા પટ્ટાની શરતોનું પાલન કરવામાં સ્કૂલો ઊણી ઉતારી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને ઔડા દ્વારા સ્કૂલ નજીકનું ગાર્ડન પ્લે ગ્રાઉન્ડ માટે અપાયું હતું.

 

જેમાં શરત મુજબ લોકો માટે ગાર્ડન ખુલ્લો રાખવાનો હતો, પરંતુ આ સ્કૂલના સંચાલકોએ પ્લોટનો ઉપયોગ પાર્કિંગ તરીકે કરીને શરતભંગ કર્યો હતો. કેમકે પ્લોટનો ઉપયોગ માત્ર પ્લે ગ્રાઉન્ડ તરીકે કરાશે અને તે લોકો માટે ખુલ્લો રખાશે અને વાલીઓને પણ પ્લોટમાં વાહન પાર્ક કરવા નહીં દેવાય તેવી સ્કૂલનાં સંચાલકોની એફિડેવિટમાં સ્પષ્ટતા ક‌રી હતી. આ પ્રકારની ગેર‌રીતિનાં કારણે અન્ય સ્કૂલને ફાળવાયેલા પ્લોટનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે.

ઔડાએ બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા અને થલતેજ વિસ્તારમાં ટીપી સ્કીમના જે તે સમયે ડ્રાફટ બનાવીને સ્કૂલ અને પ્લે ગ્રાઉન્ડના હેતુ માટે પ્લોટ રિઝર્વ કર્યા હતા. ઔડા દ્વારા સ્કૂલ માટેના પ્લોટની તો હરાજી કરાઇ હતી, પરંતુ પ્લે ગ્રાઉન્ડના પ્લોટ નજીવા ભાડે ૧૪ ખાનગી સ્કૂલને ભાડાપટ્ટે આપ્યા હતા. આ તમામ વિસ્તારો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભળી ચૂક્યાં હોઇ ભાડાપટ્ટાની શરતોનું પાલન થાય તે જોવાની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની છે.

જો કે ભાડાપટ્ટાની શરતોનું પાલન થતું નથી તેવી ફરિયાદો ઊઠતી રહે છે. ઔડાનાં કરારમાં એવી શરત હતી કે પ્લે ગ્રાઉન્ડનો પ્લોટ હોઇ સ્કૂલ સિવાયના અન્ય બાળકો પણ રમી શકે, પરંતુ મોટા ભાગનાં પ્લોટને કોટ કરી આવરી લેવાયા છે. તેમજ કોટની બહાર મોટા દરવાજા ઊભા કરી દેવાથી સામાન્ય લોકોને એવું લાગે છે કે આ પ્લોટ જે તે સ્કૂલની માલિકીનો છે. ઔડા દ્વારા ૧૪ ખાનગી સ્કૂલને અપાયેલા પ્લોટની જંત્રી મુજબની કિંમત રૂ.૧૧૯.૬ કરોડ અને બજાર કિંમત રૂ.૪૧૪.રપ કરોડની છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની છેલ્લી બજેટ બેઠકમાં પણ મ્યુનિસિપલ કોંગ્રેસ દ્વારા આ મામલે તંત્ર પર પસ્તાળ પડાઇ હતી. ખાનગી સ્કૂલોને અપાયેલા પ્લોટની બજાર કિંમત રૂ.૪૧૪.રપ કરોડ છે, પરંતુ તેની સામે વસૂલાતું ભાડું ખૂબ નજીવું હોઇ જંત્રીની કિંમત ૧૦ ટકા લેખે વાર્ષિક ભાડું વસૂલવું જોઇએ તેવી માગણી વિપક્ષના કોંગ્રેસના નેતા દિનેશ શર્માએ કરી હતી.

આ સ્કૂલો પાસેથી શરતોનું પાલન થાય તે માટે કોટ તોડી પાડવા જોઇએ અને પ્લોટ ખુલ્લા કરી દેવાની પણ માગણી તેમણે બજેટ બેઠક વખતે કરી હતી. જે તે સ્કૂલના સંચાલકો દ્વારા અસામાજિક તત્ત્વો પ્લે ગ્રાઉન્ડમાં ઘૂસી જતા હોઇ કોટ ચણવાની માગણી કરાતા તત્કાલીન ટાઉન પ્લાનિંગ કમિટીએ કોટ ચણવા ઉપરાંત દરવાજો મૂકવાની લીલીઝંડી આપી હતી.

જો કે ટાઉન પ્લાનિંગ કમિટીના આ પ્રકારની મંજૂરીના ઠરાવે ભારે વિવાદ સર્જ્યો હતો. મ્યુનિસિપલ શાસકોની મંજૂરી મેળવ્યા બાદ તો દરવાજાને તાળું મારીને તેનો પાર્કિંગ તરીકેનો દુરુપયોગ કરાતાં તેની સામે હાઇકોર્ટમાં અરજી કરાઇ હતી. આ અંગે એસ્ટેટ ‌વિભાગનો હવાલો સંભાળતા પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જયેશ એસ. પ્રજાપતિને પૂછતાં તેઓ કહે છે, આ અંગે જે તે સ્કૂલમાં સ્થળ તપાસ કરાશે. જે સ્કૂલમાં શરતભંગ થયેલો જણાશે તો તેની સામે નોટિસ ફટકારાશે અને જ્યાં જરૂરત લાગશે ત્યાં પ્લોટનો કબજો પરત પણ મેળવાશે.

You might also like