અમદાવાદ-ગાંધીનગર સહિત રાજ્યભરમાં ઠંડીની તીવ્રતા ઘટી

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી શરૂ થયેલા કાતિલ ઠંડીના નવા રાઉન્ડથી લોકો ધ્રૂજી ઉઠ્યા હતા. આ હાડ થિજાવતી ઠંડીથી અમદાવાદનું સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થયું હતું. વચ્ચે તેજ ગતિવાળા પવનોના કારણે લગ્નના કાચા મંડપ પણ ઉડ્યા હતા. જોકે આજે ઠંડીનું જોર હળવું થયું હતું. આજે ઠંડીની તીવ્રતામાં અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યભરમાં ઘટાડો નોંધાતા લોકોએ રાહત અનુભવી હતી.

આજે શહેરમાં ૧૧.૫ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું કે જે સામાન્ય તાપમાન કરતાં બે ડિગ્રી ઓછું હતું. દરમિયાન આજે અમદાવાદ, ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડીની તીવ્રતામાં ઘટાડો નોંધાયો હતો. ડીસા ૮.૬, વડોદરા ૧૦.૮, સુરત ૧૩.૦, રાજકોટ ૧૧.૫ ભૂજ ૧૧.૭ ગાંધીનગર ૧૦.૨, વલસાડ ૯.૬ અને નલિયામાં ૭.૪ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન હતું. આજે નલિયા રાજ્યનું કોલ્ડેસ્ટ સિટી બન્યું હતું. આ દરમિયાન આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું જોર ઓછું થતું જાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.

You might also like