સગર્ભા મહિલા સાથે ટોળાંએ કર્યું અમાનવીય વર્તન, પોલીસે દાખવી માનવતા

અમદાવાદઃ સમાજને શરમાવે તેવી એક ઘટના શહેરનાં વાડજ વિસ્તારમાં સામે આવી છે. લોકોએ માનવતા ગુમાવી તો પોલીસે માનવતા દાખવીને એક મહિલા અને તેનાં બાળકને નવજીવન આપ્યું. આ મહિલા અને તેનાં બાળકની જવાબદારી પોલીસે ઉઠાવી છે.

માતાએ કરેલી ભુલની સજા બે ભુલકાઓને મળી. લોકોએ મહિલા સાથે અમાનવીય વર્તન કર્યું. આ ઘટના છે વાડજનાં રામદેવનગર ટેકરાની. એક વિધવા મહિલા પોતાનાં ત્રણ સંતાનો સાથે એકલવાયું જીવન જીવી રહી હતી. 3 વર્ષ પહેલાં તેનો પતિ મૃત્યુ પામ્યો હતો. એક નરાધમે તેનાં બાળકોની જવાબદારી ઉઠાવવાનું કહીને મહિલાને ગર્ભવતી બનાવીને તે ફરાર થઈ ગયો.

આ મહિલાએ બે જોડીયા બાળકોને જન્મ આપ્યો. જેમાં એક બાળકીનું મોત પણ થયું. આ મહિલા દર્દથી ઝઝૂમતી રહી. પરંતુ સભ્ય સમાજે તેની મદદ કરવાનાં બદલે બાળકોનાં પિતાનું નામ પૂછ્યું. આ મહિલાને ઘરથી બહાર કાઢી દેવા લોકોનું ટોળું ઉમટયું. ત્યારે મહિલા માટે પોલીસ ભગવાન બનીને પહોંચી.

મહિલાની ગોદમાં રમી રહેલ બાળકનો લોકોએ તિરસ્કાર કર્યો. તેની નાની બહેન તો જન્મતાની સાથે જ મૃત્યુ પામી. પરંતુ લોકોએ દફનવિધી કરવાની પણ માનવતા દાખવી નહીં. પોલીસે બાળકીની દફનવિધી કરી અને આ મહિલા અને તેનાં બાળકને હોસ્પીટલ ખાતે ખસેડ્યાં.

લોકોની સંકુચિત માનસિકતાથી નાના ભુલકાઓને તિરસ્કાર મળ્યો. પરંતુ વાડજ પોલીસે એક જાગૃત ફોર્સની ફરજ અદા કરી. પોલીસે રૂપિયા જમા કરીને મહિલાની મદદ કરી. બાળકની સલામતી અને તંદુરસ્તીની જવાબદારીનું બીડું પણ પોલીસે ઉપાડ્યું.

એક વિધવા મહિલાની મજબુરીનો એક હેવાને ફાયદો ઉઠાવ્યો. મહિલાનો પ્રેમી ફરાર થઈ ગયો. તેને સજા અપાવવા માટે મહિલાએ પોલીસને અપીલ કરી. ત્યારે આ સમગ્ર કેસમાં નાના ચાર બાળકોનાં ભવિષ્ય પર સવાલો ઉઠ્યાં છે. જ્યાં લોકોએ પોતાની ફરજ અને જાગૃત નાગરિકની ફરજ ભુલીને ત્યાં પોલીસે મહિલા અને તેનાં બાળકોની જવાબદારી ઉઠાવીને માનવતાનું ઉદાહરણ રજૂ કર્યું છે.

You might also like