પુરાતત્વ વિભાગની કચેરી જ પાથરણાં-દબાણો વચ્ચે ખોવાઈ!

અમદાવાદ: અમદાવાદના હેરિટેજ સિટીના દાવાની ચકાસણી કરવા ચાલુ સપ્ટેમ્બર મહિનાના અંતમાં યુનેસ્કોનું પ્રતિનિધિમંડળ શહેરની મુલાકાતે આવી રહ્યું છે. યુનેસ્કોના પ્રતિનિધિમંડળની સંભવિત મુલાકાતના પગલે કોર્પોરેશન અને પુરાતત્ત્વ વિભાગમાં દોડધામ મચી ગઇ છે. શહેરના અનેક ઐતિહાસિક સ્થાપત્યો દબાણોના રાફડા હેઠળ ઢંકાઇ ગયાં છે, પરંતુ આમાં આઘાતજનક બાબત એ છે કે ખુદ પુરાતત્ત્વ વિભાગની ભદ્રની કચેરી જ ભદ્રના પાથરણાં બજારનાં દબાણો હેઠળ શોધ્યે ઝટ જડતી નથી.

કોર્પોરેશનના નઘરોળ તંત્રના કારણે શહેરની પોળ સંસ્કૃતિ સામે ખતરો ઊભો થયો છે તેમાં પણ શાસકો કોમર્શિયલ બાંધકામોના રિપેરિંગ માટે ટી-ગર્ડરની છૂટછાટ અંગે વિચારી રહ્યા હોઇ અમદાવાદની હેરિટેજ અસ્મિતા વધુ જોખમમાં મુકાઇ છે. કોટ વિસ્તારમાં ફકત રર૩૬ હેરિટેજ મકાનો જ બચ્યાં છે.

બીજી તરફ પુરાતત્ત્વ વિભાગ પણ ઐતિહાસિક સ્થાપત્યોના દબાણોના ભરડાથી પરેશાન છે. કેટલાક ઐતિહાસિક સ્થાપત્યોમાં તો દિવસભર દબાણકર્તાઓનાં કપડાં સુકાતાં હોય છે. હવે રહી રહીને રાજ્ય સરકારના આદેશના પગલે પુરાતત્ત્વ વિભાગે ગુજરાત વકફ બોર્ડ ઉપરાંત સ્થાનિક ટ્રસ્ટો સાથે આ સ્થાપત્યોને દબાણમુકત કરવા મંત્રણાનો દોર
આરંભ્યો છે.

અમદાવાદના ભદ્ર કિલ્લા સ્થિત પુરાતત્ત્વ વિભાગની કચેરી જ દબાણમુકત નથી. નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરના ઉપરના માળે પુરાતત્ત્વ વિભાગની કચેરી ધમધમે છે, પરંતુ આ કચેરી સુધી પહોંચવાના રસ્તા આડેે ભદ્રના પાથરણાંવાળાનાં દબાણો છે. કચેરીનો ભદ્રકાળી મંદિરની બાજુનો દરવાજો તો દબાણોના કારણે બંધ જ હોય છે. ફકત ગણેશોત્સવ દરમિયાન પાથરણાં બજારવાળાના સાર્વજનિક ગણેશોત્સવની કિલ્લાની અંદર સ્થાપના કરાતી હોઇ આટલા દિવસો પૂરતો આ દરવાજો ખુલ્લો રહે છે, પરંતુ અડધો જ રસ્તો ગણેશ ભક્તોની અવરજવર માટે ખુલ્લો રખાય છે એટલે ખુદ પુરાતત્ત્વ વિભાગના સ્ટાફને પાછળની બાજુના જિલાની પીરના દરવાજાથી સમગ્ર વર્ષભર અવરજવર કરવી પડે છે.

આ દરવાજો પણ જોકે દબાણમુકત તો નથી. પુરાતત્ત્વ વિભાગ પણ દબાણની સમસ્યાથી ત્રસ્ત છે. આ દબાણોને હટાવવા માટે પુરાતત્ત્વ વિભાગ દ્વારા કારંજ પોલીસ સ્ટેશનમાં વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો થઇ ચૂકી છે. જોકે કારંજ પોલીસતંત્રની આંખ આડા કાન કરવાની નીતિ-રીતિથી સ્થિતિ યથાવત્ છે તેમ પુરાતત્ત્વ વિભાગનાં સૂત્રો રોષભેર જણાવે છે.

You might also like