હેરિટેજ સિટી એેવા અમદાવાદનો હેરિટેજ સેલ જ ઓક્સિજન પર!

અમદાવાદ: આપણા અમદાવાદનો ગઈ કાલે શહેરીજનોએ ઉત્સાહભેર ૬૦૫મો સ્થાપના દિવસ ઊજવ્યો હતો. શહેરના મેયરે વિવેકાનંદ પુલના છેડે આવેલા માણેક બુર્જની પૂજા કરી. સમગ્ર દેશમાં અમદાવાદની ગણના ઐતિહાસિક શહેર તરીકે થાય છે. અમદાવાદમાં હેરિટેજ સ્થળોનો તોટો નથી એટલે જ દેશમાંથી હેરિટેજ સિટી માટે ફક્ત અમદાવાદ જ દાવેદાર બન્યું છે. તેમ છતાં નાગરિકોના કમનસીબે કોર્પોરેશનનો હેરિટેજ સેલ જ ઓક્સિજન પર છે.

કોર્પોરેશનના હેરિટેજ સેલ માટેના આશરે રૂ. દોઢ કરોડના ખર્ટે સેપ્ટ દ્વારા તૈયાર કરાયેલા ડોઝિયરને યુનેસ્કોએ વિધિવત્ સ્વીકારી લીધું છે. ગત તા. ૨૮ જાન્યુઆરી, ૨૦૧૬એ કેન્દ્ર સરકારે અમદાવાદનું હેરિટેજ સિટી માટે યુનેસ્કોમાં દાવેદાર તરીકે નામ પાઠવ્યા બાદથી અમદાવાદીઓ હેરિટેજ સિટીનો દરજ્જો મેળવવા આતુર બન્યા છે. પરંતુ અમદાવાદ સમક્ષ પડકારોનો પાર નથી. શહેરનાં હેરિટેજ સ્થળોની આસપાસ દબાણોનો રાફડો છે, તેમ છતાં કોર્પોરેશન આ દબાણોને ખસેડવા માગતું નથી. આ માટે તંત્ર હાસ્યાસ્પદ રીતે હેરિટેજ સિટીને લગતી આવનારી ગાઇડલાઇનની રાહ જુએ છે એટલે કે મ્યુનિ. સત્તાવાળાઓ હરહંમેશાંની જેમ આગ લાગશે ત્યારે કૂવો ખોદશે.

આ તો ઠીક, કોર્પોરેશનનો હેરિટેજ સેલ જ દયનીય હાલતમાં છે. ૧૯૯૬માં કોર્પોરેશનના સત્તાધીશોને હેરિટેજ મિલકતોની જાળવણી માટે નાનકડો સેલ ઊભો કર્યો છે. જૂના ઐતિહાસિક સરદાર પટેલ ભવનના પહેલા માળે હેરિટેજ સેલની ઓફિસ કાર્યરત છે, પરંતુ હેરિટેજ સેલમાં કોન્ટ્રેક્ટ આધારિત અિધકારીઓ કાર્યરત છે. હેરિટેજ સેલના જનરલ મેનેજર જ નથી. પુરાતત્ત્વ વિભાગના એક સેવાનિવૃત્ત અધિકારીને તંત્રએ ડેપ્યુટી જનરલ મેનેજરપદે કોન્ટ્રેક્ટથી બેસાડી દીધા છે. હેરિટેજ સેલમાં કન્ઝર્વેશન આર્કિટેક્ટની એક જગ્યાએ આસિસ્ટન્ટ આર્કિટેક્ટની મંજૂર કરાયેલી જગ્યા ખાલી પડી છે. સિનિયર ક્લાર્કની એકમાત્ર જગ્યા પણ ભરાઈ નથી. કોર્પોરેશને કોન્ટ્રાક્ટથી અનેક વિભાગોમાં ચાર પાંચ આંકડામાં પગારથી તંત્રના જ સેવા નિવૃત્ત અધિકારીઓને ફરીથી કામ પર રાખ્યા છે, પરંતુ હેરિટેજ સેલ તરફ હજુ સુધી ધ્યાન અપાયું નથી.

હેરિટેજ સેલ માટે જરૂરી આસિ. ટીડીઓ નથી. ટીડીઓના બે સબ ઇન્સ્પેક્ટર પૈકી એક સબ ઇન્સ્પેક્ટરની જગ્યા ખાલી છે. હવે જો અમદાવાદને દેશના એકમાત્ર હેરિટેજ સિટીનો દરજ્જો મેળવવો હશે તો હાલના હેરિટેજ સેલને વધારે અસરકાર બનાવવું પડશે. આ માટે વધુ આિસ. સિટી ઇજનેર, આસિ. ઇજનેર, ટેકનિકલ સુપરવાઇઝર, પ્લાનર, આસિ. પ્લાનર વગેરેની નિમણૂક કરવી પડશે.

બીજા અર્થમાં યુનેસ્કોમાં પુરાતન વિકાસના આધારે અમદાવાદની હેરિટેજ સિટીની દાવેદારી કરવામાં કોર્પોરેશન ભલે સફળ રહ્યું છે, પરંતુ હજુ તંત્ર તરફથી ખાસ તૈયારી કરાઈ નથી. આ અંગે હેરિટેજનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિ. કમિશનર દિલીપ ગોરને પૂછતાં તેઓ કહે છે, ”હાલના હેરિટેજ સેલને તંત્ર દ્વારા હેરિટેજ વિભાગનો દરજ્જો અપાયો છે. અત્યારે તો હેરિટેજ વિભાગ સક્ષમ છે અને તેને હેરિટેજ સિટી અંગેના દાવેદારીના આધારે વધુ સક્ષમ કરવામાં આવશે.”

You might also like