અમદાવાદ સહિત રાજ્યમાં ૪૮ કલાક ભારે વરસાદની શક્યતા

અમદાવાદ: અમદાવાદ સહિત ગુજરાતભરમાં વરસાદ મન મૂકીને આવતો નથી. જેના કારણે ખેડૂત વર્ગ હતાશામાં ગરકાવ થયો છે. આકાશમાં વરસાદી પાણીથી ભરેલાં કાળાં ડિબાંગ વાદળનાં તો દર્શન થાય છે પરંતુ તે વરસી શકતાં નથી. જોકે સ્થાનિક હવામાન વિભાગની કચેરીએ અમદાવાદ સહિત ગુજરાત ભરમાં આગામી ૪૮ કલાક ભારે વરસાદના રહેવાની આગાહી કરી છે.

સ્થાનિક હવામાન વિભાગની કચેરીના હવામાન નિષ્ણાત મનોરમા મોહંતી કહે છે, મહારાષ્ટ્રના વિદર્ભમાં અપર એર સર્ક્યુલેશન સર્જાયું છે તેમજ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવાઇ રહી છે. જેને કારણે આગામી ૪૮ કલાક ગુજરાતમાં ભારે વરસાદના રહેશે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં સતત અઠવાડિયા સુધી વરસાદી માહોલ રહેશે.

દરમિયાન ગુજરાતમાં આજે સવારે સાત વાગ્યે પૂરા થયેલા ર૪ કલાક દરમિયાન વધુ ૩.૯૯ એમએમ વરસાદ નોંધાતાં રાજ્યનો કુલ વરસાદ ર૧પ.૩૯ એમએમ થયો છે. આની સાથે રાજ્યમાં વરસાદની કુલ ટકાવારી ર૭.૦ર ટકા થઇ છે.

You might also like