અમદાવાદીઓએ રાસ્કામાંથી નર્મદાનું પાણી મેળવવા માટે એક વર્ષ રાહ જોવી પડશે

અમદાવાદ: અમદાવાદને શેઢી કેનાલમાંથી અગાઉ દરરોજ ર૦૦ એમએલડી પાણી મળતું હતું, પરંતુ શેઢી કેનાલમાં વારંવાર પડતા ભંગાણના કારણે રાજ્ય સરકાર દ્વારા ચાર મહિના પહેલાં શેઢી કેનાલને બંધ કરાઇ હતી. શેઢી કેનાલ બંધ કરાતાં કોર્પોરેશનને કોતરપુરથી પાણી પૂરું પાડવું પડે છે.

બીજી તરફ રાજ્ય સરકાર શેઢી કેનાલના રિપેરિંગના મામલે ગોકળગાય ગતિએ ચાલી રહી છે, જેના કારણે અમદાવાદીઓને રાસ્કા આધારિત પાણીનો પુરવઠો મેળવવા માટે એક વર્ષ રાહ જોવી પડશે. કોર્પોરેશન દ્વારા પાણીના બિલ પેટે વર્ષેદહાડે રૂ.૧૦૦ કરોડથી પણ વધુ રકમ રાજ્ય સરકારને ચૂકવાતી હોવા છતાં ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદની ઉપેક્ષા જ થઇ રહી છે.

રાજ્ય સરકારનું પાણી પુરવઠા બોર્ડ આર્થિક સંકટમાં આવ્યું હોઇ બોર્ડ દ્વારા કરોડો રૂપિયાની જૂની પાણીવેરાની વસૂલાત માટે કડક ઉઘરાણી શરૂ કરાઇ છે. અમદાવાદ કોર્પોરેશન દરરોજ આશરે ૧૧૦૦ એમએલડી પાણીનો પુરવઠો મેળવે છે. કોતરપુરમાંથી ૮પ૦ એમએલડી અને જાસપુરમાંથી રપ૦ એમએલડી પાણીનો પુરવઠો મેળવાતાે હોઇ તંત્ર પ્રતિ એક હજાર ‌િલટર પાણીદીઠ રાજ્ય સરકારને રૂ.ર.૬૦ ચૂકવે છે એટલે કે દરરોજ અંદાજે રૂ.ર૮.૬૦ લાખ, દર મહિને અંદાજે રૂ.૮.પ૮ કરોડ અને વર્ષેદહાડે અંદાજે રૂ.૧૦ર.૯૬ કરોડ પાણીના બિલ પેટે ચૂકવાઇ રહ્યા છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા હાલમાં રાસ્કા આધારિત પાણી પુરવઠો બંધ થયો હોઇ તેનું પાણી બિલ આવતંંુ નથી તેમ કોર્પોરેશનનાં ટોચનાં સૂત્રો જણાવે છે. તેઓ વધુમાં કહે છે કે પાણી પુરવઠા બોર્ડ કે સિંચાઇ વિભાગનું કોઇ નવું પાણી બિલ બાકી નથી. કદાચ પાણી પુરવઠા બોર્ડનું કોઇક જૂનું બિલ બાકી બોલતું હોય તો તે તપાસનો વિષય છે.

જોકે હજુ સુુધી કોર્પોરેશનને કોઇ નોટિસ મળી નથી, પરંતુ શેઢી કેનાલના રિપેરિંગનો મામલો હજુ ટલ્લે જ ચઢ્યો છે. શેઢીની કેનાલના રિપેરિંગ માટે હજુ હમણાં ટેન્ડર નીકળ્યાં છે. આ પ્રકારની ધીમી ગતિની કામગીરીથી કેનાલ રિપેર થઇને રાસ્કામાંથી અમદાવાદીઓને પૂર્વવત્ પાણીનો પુરવઠો મેળવવા માટે ખાસ્સી રાહ જોવી પડશે.

http://sambhaavnews.com/

You might also like