માણેકચોકનું સોની બજાર સજ્જડ બંધ

અમદાવાદ: શહેરના હાર્દસમા માણેકચોક વિસ્તારમાં સોના-ચાંદીના દાગીના ગાળવાની ભઠ્ઠીઓ સામે કાર્યવાહી કરવાની ગુજરાત હાઇકોર્ટે તાકીદ કર્યા બાદ કોર્પોરેશને માણેકચોક તથા તેની આજુબાજુના વિસ્તારોમાં સોના-ચાંદીના દાગીના ગાળવાના ૪૦ એકમો સીલ કરી દીધા હતા. કોર્પોરેશનની આ કાર્યવાહી વિરુદ્ધ સોના-ચાંદીના વેપારીઓએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તેને પગલે આજે માણેકચોક સોના-ચાંદી બજાર સજ્જડ બંધનું એલાન અપાયું હતું. આજે સવારથી વેપારીઓએ માણેકચોક સ્થિત સોના-ચાંદીના તમામ વેપાર-ધંધા બંધ રાખી કોર્પોરેશનની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.

માણેકચોક સોના-ચાંદી બજારના વેપારીઓના જણાવ્યા પ્રમાણે પાછલા સાત-આઠ દાયકાથી માણેકચોક વિસ્તારમાં સોના-ચાંદીના દાગીના બનાવવાનું અને તેની ભઠ્ઠીઓનું કામકાજ ચાલી રહ્યું છે, પરંતુ પાછલાં વર્ષોમાં તેને કારણે આ સંબંધી કોઇ શારીરિક મુશ્કેલી ઊભી થઇ હોય તેવું કે પ્રદૂષણ ફેલાયું હોય તેવું બહાર આવ્યું નથી, પરંતુ આંગળીના વેઢે ગણી શકાય તેવા કેટલાક વિઘ્ન સંતોષીઓને કારણે આ પરિસ્થિતિ ઊભી થઇ છે. વાસ્તવમાં આ યુનિટો ખૂબ જ નાના છે. તેનાથી ધુમાડો કે અન્ય પ્રદૂષણ ફેલાતું નથી.

વેપારીઓના જણાવ્યા પ્રમાણે હાઇકોર્ટના ચુકાદાનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. જેનો ભોગ માણેકચોકના નાનાં યુનિટો બની રહ્યા છે તથા આ કાર્યવાહીને પગલે કારીગરોને પારવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમારો આ સામે સખત વિરોધ છે. સરકારે આ માટે જેમ બને તેમ ઝડપથી યોગ્ય ઉકેલ લાવવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવી જોઇએ.

You might also like