અમદાવાદ-ગાંધીનગરના વિદ્યાર્થીઅો માટે ૭૦ ટકા બેઠકો હવે રિઝર્વ્ડ નહીં

અમદાવાદ: શહેરના વિદ્યાર્થીએ હવે બીએસસીમાં અમદાવાદમાં એડમિશન મેળવવા માટે રાજ્યના તમામ વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરવી પડશે. ગુજરાત યુનિવર્સિટીએ આ શૈક્ષણિક વર્ષથી અમદાવાદ-ગાંધીનગરમાં રહેતા સાયન્સ કોલેજમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ૭૦ ટકા રિઝર્વેશનનો નિયમ હટાવીને સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા અમલી બનાવી છે. મેરિટ બેઝ પર હવે રાજ્યનો કોઈપણ વિદ્યાર્થી ગુજરાત યુનિવર્સિટીની સરકારી કે ગ્રાન્ટ ઈન એઇડ કોલેજમાં પ્રવેશ મેળવવા પાત્ર બનશે. જ્યારે રિઝર્વેશન દૂર થવાના કારણે અમદાવાદમાં કે ગાંધીનગરમાં રહેતો વિદ્યાર્થી ઓછા ટકા મેળવવાના કારણે ફરજિયાત આ વર્ષથી શહેરથી દૂર અથવા સેલ્ફ ફાઈનાન્સ કોલેજ એડમિશન મેળવશે.

ગત શૈક્ષણિક વર્ષ સુધી અમદાવાદ-ગાંધીનગર રિઝિયનના બીએસસી કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે ૭૦ ટકા સીટ અનામત રાખવામાં આવી હતી. ત્યાર બાદ ૩૦ ટકા સીટમાં અન્ય જિલ્લાના વિદ્યાર્થીઓ અમદાવાદ-ગાંધીનગરની કોલેજમાં પ્રવેશ મેળવી શકતા હતા.

આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે સારી કોલેજમાં ભણવું હોય તો વિદ્યાર્થીએ સારા માર્ક લાવવા પડે. રાજકોટનો વિદ્યાર્થી ૮૦ ટકા મેળવે અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન મેળવે અને અમદાવાદનો વિદ્યાર્થી ઓછા ટકાએ અમદાવાદની જ સરકારી કે ગ્રાન્ટ ઈન એઈડ કોલેજમાં એડમિશન મેળવે આ ભેદભાવભરી નીતિ આ વર્ષથી દૂર કરીને રિઝર્વેશન કાઢીને ઓપન ફોર ઓલ એડમિશન પ્રક્રિયા કાયમી કરાઈ છે.
http://sambhaavnews.com/

You might also like