અમદાવાદના મામા-ભાણેજ સામે ૧.૪૮ કરોડની ઠગાઈની ફરિયાદ

અમદાવાદ: ગાંધીનગર અમદાવાદ હાઇવે પર ૪-ડી સ્કવેર મોલમાં ઓફિસ ધરાવનાર સગા મામા-ભાણેજ સામે બનાસકાંઠા જિલ્લામાં કરોડો રૂપિયાની છેતરપિંડી કર્યા અંગેની ફરિયાદ નોંધાઇ છે. કમિશનથી એરંડાનું વેચાણ કરતી બનાસકાંઠાની પેઢી પાસેથી કરોડો રૂપિયામાં એરંડા ખરીદી એક કરોડ જેટલી રકમની ચૂકવણી નહી કરી છેતરપિંડી આચરી છે.

મળતી માહિતી મુજબ બનાસકાંઠાનાં લાખાણી ગામે રહેતા અને લાખાણી માર્કેટ યાર્ડમાં આશાપુરા ટ્રેડર્સ નામની પેઢી ધરાવી એરંડા અને રાયડો જેવી ખેત પેદાશોની કમિશનથી ખરીદ-વેચાણ કરતાં કેસર‌સીંગ ગોલીયાંએ બનાસકાંઠાના આગથળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા ૪ડી સ્કવેર મોલમાં જે.પી. એગ્રી કોમોડિટીઝ નામે વેપાર કરતા મામા-ભાણેજ કલમકાંત રાજેન્દ્રપ્રસાદ શર્મા અને જગદીશપ્રસાદ બનવારીલાલ શર્મા સાથે છેલ્લા બે વર્ષથી તેઓ કમિશનરથી એરંડાનું વેચાણ કરતા હતા.

ગત એપ્રિલ માસમાં રૂ.૪.૧૮ કરોડના એરંડાની મામા-ભાણેજે ખરીદી કરી હતી. જેમાં ર.૭૦ કરોડ રૂપિયાનું જ તેઓએ પેમેન્ટ કર્યું હતું. બાકીનું રૂ.૧.૪૮ લાખનું તેઓએ પેમેન્ટ કર્યું ન હતું. સાત દિવસમાં પેમેન્ટ કરવાનું હોવા છતાં તેઓએ ખોટા વાયદા કરી પેમેન્ટ ન કરતાં આ અંગે આગથળા પોલીસ સ્ટેશનમાં તેઓ ફરિયાદ નોંધાવી છે. ભીલડી પોલીસ સ્ટેશનમાં પણ મામા-ભાણેજ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હોવાનું તેમજ અનેક જગ્યાએ તેઓએ ખરીદી કરી પૈસા ન ચૂકવી છેતરપિંડી આચરી હોવાનું જાણવા મળ્યું છે.

http://sambhaavnews.com/

You might also like