દહેગામ રોડ ઉપર જમીન વિવાદમાં મોડી રાત્રે ફાયરિંગ

અમદાવાદ: શહેરના નરોડા-દહેગામ રોડ પર ગત મોડી રાત્રે એક યુવક પર કેટલાક શખસો ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હોવાની ઘટના સામે આવી છે. બનાવની જાણ થતાં નરોડા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી, જોકે રાત્રે પોલીસને ફાયરિંગ થયું હોય તેવા કોઇ પુરાવા મળ્યા નહોતા.

નરોડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર સી.આર. સંગાડાએ જણાવ્યું હતું કે દહેગામ રોડ પર ફાયરિંગની ઘટના બની હોવાની અમને જાણ થઇ છે. હાલમાં ફાયરિંગની ઘટના સાચે જ બની છે કે અન્ય કોઇ અવાજને લઇને આભાસ થયો છે તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગત મોડી રાત્રે નરોડા-દહેગામ રોડ પર એક ઠાકોર યુવાન પર જાણીતા બિલ્ડરના શખસો દ્વારા જમીનના વિવાદને લઇ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જોકે આ ફાયરિંગના બનાવમાં યુવકને કોઇ ઇજા થવા પામી ન હોવાનું જાણવા મળ્યું છે. ગત રાત્રે આ ફાયરિંગની ઘટનાથી દોડધામ મચી ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે ગત રાત્રે વટવાના સૈયદવાડી વિસ્તારમાં આવેલા શાયોના ફ્લેટ નજીક ચાની કીટલી પર બેસવા જેવી સામાન્ય બાબતે એર ગન વડે ફાયરિંગ કરાયું હતું. ફાયરિંગની ઘટના બનતા આસપાસના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આમિરખાન પઠાણ નામના શખસે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. વટવા પોલીસે ફાયરિંગ કરનાર આરોપીની તાત્કાલિક ધોરણે ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી હતી. આ ઘટનાને માંડ ચાર કલાક થયા છે ત્યાં નરોડામાં ફાયરિંગ થતાં શહેરમાં ફાયરિંગની ઘટનાઓને લઇને લોકોમાં ફફડાટ ફેલાયો છે.

You might also like