પૂર્વ પતિ અંગેની કોમેન્ટ્સને લઈ ભૂમિ હતાશામાં સરી પડી હતી

અમદાવાદ: ભૂમિ દેસાઇ આત્મહત્યા કેસના આરોપી પતિ કૃણાલ દેસાઇને ગઇ કાલે આનંદનગર પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગ્યા હતા. રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં બહાર આવ્યું હતું કે પતિ-પત્ની વચ્ચે જે સામાન્ય ઝઘડા થતા હોય છે તેવા ઝઘડા થતા હતા. કૃણાલ દ્વારા ભૂમિને તેના પૂર્વ પતિને લઇ વારંવાર કરાતી કોમેન્ટ્સના કારણે પોતે માનસિક રીતે ભાંગી પડી હતી અને કૃણાલ દ્વારા બેંગકોકથી શરૂ થયેલા ઝઘડા બાદ ભૂમિ પોતાની અવગણના કરાતાં પોતે હતાશ થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લગ્ન અગાઉ બંને વચ્ચેના સંબંધો સુમેળભર્યા હતા, પરંતુ લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે અણબનાવોની શરૂઆત થઇ હતી. ભૂમિની દારૂ અને સિગારેટની ટેવ કૃણાલને ગમતી નહોતી. ઉપરાંત બંને હનીમૂન માટે બેંગકોક ગયા  ત્યારે ત્યાંથી જ બંને વચ્ચે ઝઘડાઓની શરૂઆત થઇ હતી અને બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી હતી.

કૃણાલ ભૂમિને તેના પૂર્વ પતિને લઇ વારંવાર સંભળાવતો હતો, જેના કારણે તેને લાગી આવતું હતું. બેંગકોકથી થયેલા ઝઘડા બાદ બંને પરત આવ્યા બાદ પણ વોટ્સએપ દ્વારા બંનેની ખૂબ વાતચીત થઇ હતી, જેમાં પૂર્વ પતિને લઇ તથા બેંગકોકમાં ડાન્સ ફ્લોર પર ડાન્સ બાબતે, પૈસા અને શોપિંગ કરવા બાબતે ઝઘડા થયા હતા. ઉપરાંત ભૂમિ ૨૭ અથવા ૨૮ જાન્યુઆરીએ નવી નોકરી જોઇન્ટ કરવાની હતી તેને કારણે કૃણાલને ગમ્યું નહોતું. બેંગકોકથી પરત ફર્યા બાદ ભૂમિ તેના માતા-પિતાને ત્યાં રહેતી હતી અને કૃણાલ પોતે ઇવેન્ટમાં વ્યસ્ત હોવાનું જણાવી વાત કરતો નહોતો અને તેને વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ વગેરેમાં બ્લોક કરી રાખી હતી. આ રીતે કૃણાલ દ્વારા ભૂમિને ઇગ્નોર કરાતાં તે માનસિક રીતે ભાંગી પડી હતી. શારીરિક અને માનસિક રીતે ભૂમિ હતાશ થઇ ગઇ હતી, જેથી તેણે આ પગલું ભર્યું હોઇ શકે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

You might also like