‘કન્ટેનર ફ્રી’ અમદાવાદમાં ડોર ટુ ડોરનાં ડેઇલી કલેક્શનમાં ૩૦૦ મે‌ટ્રિક ટનનો વધારો

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સત્તાવાળાઓ દ્વારા તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન-ર૦૧૯માં ટોપનું રેન્કીંગ મેળવવા શહેરને ‘કન્ટેનર ફ્રી’ કરાયું છે. જો કે આનાં કારણે તંત્રની ડોર ટુ ડોરની કામગીરીમાં વધારો થયો છે. એક અંદાજ પ્ર‌તિ દિનનો કચરો ૩૦૦ મે‌ટ્રિક ટન વધ્યો છે. આ ઉપરાંત રોડ પરનાં કન્ટેનર હટાવી લેતાં તે સ્થળ પર ગંદકીનું પ્રમાણ વધતાં નવો વિવાદ ઊઠ્યો છે.

અગાઉ કન્ટેનરથી કચરો ઉપાડવા માટે તંત્ર દ્વારા કોન્ટ્રાકટરને પ્રતિ મે‌ટ્રિક ટન રૂ.પ૦૦ ચૂકવાતા હતા, જોકે હવે કન્ટેનરના બદલે ડોર ટુ ડોરની કામગીરી આધારિત કચરો ઉપાડાઇ રહ્યો છે, જેના કારણે ડોર ટુ ડોરના કોન્ટ્રાકટરોને પ્રતિ મે‌ટ્રિક ટનના રૂ.૧પ૦૦ ચુકવવા પડશે, જેનાં કારણે પ્રતિ મેટ્રિક ટન રૂ.૧૦૦૦ વધારે ચૂકવાઇ રહ્યાં છે.

આ અંગે વિપક્ષ કોંગ્રેસનાં પૂર્વ નેતા અને બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખ સો‌લિડ વેસ્ટ મેનેજમેન્ટનાં ડાયરેક્ટર હર્ષદ સોલંકી સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતાં કહે છે તેમના નેતૃત્વમાં કન્ટેનર ફ્રી શહેરનાં સુંવાળા નામ હેઠળ રૂ.પ૦૦માં નિકાલ થતા કચરાનો રૂ.૧પ૦૦ નિકાલ કરાવી આ કૌભાંડને અંજામ અપાયો છે.

બહેરામપુરાના આરએમ પાન સેન્ટર પાસે આરસીસીની કચરાપેટીમાં પાકી દુકાનો બનાવાઇ હતી, જે અંગે મારી રજુઆતના આધારે તંત્ર દ્વારા બે દિવસ પહેલાં તોડી પડાઇ હતી. શહેરભરમાં રૂ.૪૦ કરોડના ખર્ચે ૧૧૦૦ જેટલી આરસીસીની કચરાપેટી બનાવાઇ છે તો આનો ખર્ચ તેમજ રૂ.સાત કરોડનો ખર્ચ એક હજાર કન્ટેનર ખરીદાયાં તેનું શું? સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેકટર તાજેતરમાં પ્લા‌િસ્ટક વેસ્ટ વેચવાના નેપ્રા કંપનીને અપાયેલા કોન્ટ્રાકટના મામલે પણ વિવાદોમાં આવ્યાં છે.

You might also like