અમદાવાદની મોટી કચરાપેટી સમાન ખારીકટ કેનાલની સફાઈ નહીં થાય

અમદાવાદ: એ‌િશયાની સૌથી મોટી ‘ડસ્ટ‌િબન’ તરીકે ઓળખાતી શહેરના પૂર્વ વિસ્તારની ખારીકટ કેનાલ આગામી ચોમાસામાં તેની આસપાસની નીચાણવાળી સોસાયટીઓ માટે તબાહી સર્જે તેવી આશંકા સર્જાઈ છે, કેમ કે ખારીકટ કેનાલમાંથી કચરો બહાર કાઢીને તેની સાફસફાઈ કરવાના મૂડમાં કોર્પોરેશન નથી.

આમ તો ભાજપના શાસકો માટે ખારીકટ કેનાલ સસ્તી લોકપ્રિયતા મેળવવાનો વર્ષોજૂનો હાથવગો ઉપાય છે. છેક વર્ષ ૨૦૦૯થી શાસક પક્ષ સમગ્ર ખારીકટ કેનાલને જોગર્સપાર્ક બનાવવાના અને ગ્રીનપેચથી હરિયાળું- અાચ્છાદિત કરવાનાં ઢોલ-નગારાં વગાડતું રહ્યું છે, જોકે આજે સાત વર્ષ બાદ પણ ખારીકટ કેનાલ ‘ડસ્ટ‌િબન’ જ બનીને રહી છે!

પૂર્વ વિસ્તારમાં ૧૯.૫૦ કિ.મી. લાંબી ખારીકટ કેનાલને ‘ડસ્ટ‌િબન’ બનાવવામાં સ્થાનિક નાગરિકોનો સિંહફાળો છે. કેનાલની સાફસફાઈના મુદ્દે મ્યુનિ. તંત્ર અને રાજ્યના સિંચાઈ વિભાગ વચ્ચે ટાંટિયા ખેંચ ચાલે છે! આજે બપોરે મેયર ગૌતમ શાહની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સૂન એક્શન પ્લાનની પ્રથમ સમીક્ષા બેઠક યોજાશે, જેમાં તંત્રના “બાહોશ” ઈજનેરો શહેરની કુલ ૧,૧૯,૩૧૨ મેન હોલ અને કુલ ૩૦૯૬૮ કેચપીટની સાફસફાઈની આંકડાકીય માહિતી રજૂ કરીને મેયરને ગેરમાર્ગે દોરશે. ખરેખર તો ડિશિલ્ટિંગની કામગીરીની રોજેરોજ સમીક્ષા થવી જોઈએ.

આના બદલે અગાઉની પરંપરા મુજબ તંત્ર દ્વારા સમીક્ષા બેઠકના અંતે પ્રિમોન્સૂન પ્લાનની જૂની અખબારી યાદીને ફક્ત ‘નવા’ મેયરના નામ સાથે પ્રસિદ્ધ કરાશે. આ વખતે પણ ઈજનેર વિભાગ અને કોન્ટ્રાક્ટરોની ‘મિલીભગત’થી ડિશિલ્ટિંગનાં નાટક ભજવાશે અને પ્રિમોન્સૂન એક્શન પ્લાનના ઓઠા હેઠળ મ્યુનિ. તિજોરીમાંથી આશરે દશ કરોડ રૂપિયા ગટરમાં વહી જશે તેવી ખુદ મ્યુનિ. ભાજપ કાર્યાલયમાં ચર્ચા ઊઠી છે.

You might also like