અમદાવાદ ક્રાઈમ બ્રીફઃ જશોદાનગરમાં ચોરી, રામોલમાં યુવાને ગળાફાંસો ખાધો

જશોદાનગરમાં ઘરફોડ ચોરી
અમદાવાદઃ જશોદાનગરમાં ઘરફોડ ચોરીનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. જશોદાનગરમાં મહાલક્ષ્મી એસ્ટેટ નજીક આવેલા એક મકાનનાં તસ્કરોએ તાળાં તોડી એલઇડી ટીવી, હોમ થિયેટર અને ઘરવખરીના માલસામાન સહિત આશરે રૂ.૪૬,૦૦૦ની મતાની ચોરી કરી હતી.

દેશી-વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૧૯ર ‌‌લિટર દેશી દારૂ, ર૭૭ બોટલ વિદેશી દારૂ, એક કાર, એક સ્કૂટર, રૂ.એક લાખની રકમ અને જુગારનાં સાધનો કબજે કરી પ૭ શખ્સની ધરપકડ કરી ગુના દાખલ કર્યા છે.

સાવચેતીરૂપે ૧૧૬ ઇસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુથી સાવચેતીનાં પગલાંરૂપે પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી ૧૧૬ ઇસમની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે, જ્યારે આઠ માથાભારે શખ્સની પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી જુદી જુદી જેલમાં મોકલી આપ્યા છે.

રામોલમાં યુવાને ગળાફાંસો ખાધો
અમદાવાદઃ રામોલ માં એક યુવાને ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. રામોલમાં સીટીએમ નજીક ચાર રસ્તા પાસે આવેલ ભારવી ટાવરમાં રહેતા વિક્રમભાઇ રામભાઇ પટેલ નામના યુવાને અગમ્ય કારણસર પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી નાખી હતી.

લોડિંગ રિક્ષા અને બે બાઇકની ઉઠાંતરી
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી લોડિંગ રિક્ષા અને બે બાઇકની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. વટવામાં જેતલપુર રોડ પર આવેલી ગળીની ફેકટરી પાસેથી લોડિંગ રિક્ષાની, સરખેજમાં ઉજાલા સર્કલ પાસેથી બાઇકની અને નારોલ સર્કલ પાસેથી બાઇકની ઉઠાંતરી થઈ હતી.

You might also like