શહેર ક્રાઈમ બ્રીફઃ ક્યાંક આપઘાત તો ક્યાંક કેટલાય ઘરનાં તાળા તૂટ્યાં

અમદાવાદ, સોમવાર
તસ્કરોનો તરખાટઃ બે મકાન, ઓફિસ અને ગોડાઉનનાં તાળાં તોડી ચોરી
શહેરનાં જુદા જુદા વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવી આશરે રૂ.૩.પ૦ લાખની માલમતાની ચોરી કરતા પોલીસે ગુના દાખલ કર્યા છે. આ અંગેની વિગત એવી છે કે, કાલુપુર ચોખા બજારમાં તિરૂપતિ કોમ્પલેકસનાં ભોંયરામાં આવેલ ગોડાઉનનાં તાળાં તોડી તસ્કરોએ વાઘ-બકરી ચાનાં ર૮૮ પેકેટની ચોરી કરી હતી. જ્યારે બાપુનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આવેલાં એક મકાનનું તાળું તોડી તસ્કરોએ રોકડ રકમ સહિત રૂ.પ૦ હજારની માલમતાની ચોરી કરી હતી.

રામોલ વિસ્તારમાં સીટીએમ નજીક સિંધવાઇ માતાના મંદિર પાસે આવેલ આશાનગરના એક મકાનમાંથી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ સહિત રૂ.૬૧ હજારની મતાની ચોરી કરી હતી. આ ઉપરાંત સેટેલાઇટમાં ઉમિયા વિજય શોપિંગ સેન્ટરની ૩૦૪ નંબરની ઓફિસમાંથી રોકડ રકમ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે રૂ.૧.૬પ હજારની માલમતાની તસ્કરોએ ઉઠાંતરી કરતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

મંગળસૂત્ર અને સોનાના દોરાની ચીલઝડપ
મણિનગર અને ગુલબાઇ ટેકરા નજીક મંગલસૂત્ર અને સોનાનાં દોરાની ચીલઝડપના બનાવ બનતા પોલીસે ગુના દાખલ કર્યા છે. મણિનગરમાં કાંકરિયા રોડ પરથી બાઇક પર પસાર થઇ રહેલ અંજનાબહેન કાપડિયા નામની મહિલાના ગળામાંથી રૂ.૬૦ હજારની કિંમતના સોનાનાં મંગલસૂત્રની ચીલઝડપ થઇ હતી જ્યારે ગુલબાઇ ટેકરા ઓફિસર કવાર્ટર પાસે પસાર થઇ રહેલ કૃપાબા જાડેજા નામની યુવતીના ગળામાંથી રૂ.૪૦ હજારની કિમતનો સોનાનો દોરો તોડી ગઠિયા બાઇક પર ફરાર થઇ ગયા હતા.

બીમારીથી કંટાળી યુવાન સળગી મર્યો બે યુવતીનો ગળાફાંસો ખાઇ આપઘાત
શહેરના જુદા જુદા વિસ્તારમાં આત્મહત્યાના ત્રણ બનાવ બનતાં પોલીસે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ દાણી લીમડામાં ભુલાભાઇ પાર્ક નજીક આવેલ માધવબાગ સોસાયટીમાં રહેતા કૃણાલ જગદીશભાઇ રાવલ નામના ૧૭ વર્ષના કિશોરે બીમારીથી કંટાળી જઇ પોતાના શરીર પર કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દેતા ગંભીર રીતે દાઝી જવાથી તેને એલ.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું.

જ્યારે રામોલમાં સીટીએમ નજીક આવેલી કૈલાસ કોલોની ખાતે રહેતી અમિતાબહેન આનંદભાઇ ગજ્જર નામની યુવતીએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી નાખ્યું હતું. આ ઉપરાંત કૃષ્ણનગરમાં બાપા સીતારામ ચોક પાસે આવેલ હરિધામ સોસાયટીમાં રહેલી ફાલ્ગુની નરેશભાઇ પટણીએ પણ અંગત કારણોસર પોતાના ઘરમાં સાંજના સુમારે ગળાફાંસો ખાઇ લઇ આત્મહત્યા કરી લીધી હતી.

You might also like