દારૂની મહેફિલ બાદ દરોડામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ ઝડપાયા

અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ પી. એસ. સિંગર‌િખયા બે ડાન્સર, યુવતીઓ અને અન્ય યુવકો સાથે દાણીલીમડાના વેપારીની જન્મદિવસની દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. સુરેન્દ્રનગરના મોટી મજેઠી ગામે આવેલા રિસોર્ટમાં બજાણા પોલીસે દરોડો પાડી કુલ ર૧ શખ્સોને ઝડપી લીધા હતા, જેમાં નશામાં ચકચૂર બનેલા આઠ શખ્સો સામે દારૂ પીધેલાનો ગુનો દાખલ કરાયો હતો જ્યારે પીએસઆઈ સિંગર‌િખયા અને યુવતી સહિતના બાકીના ૧૩ લોકોનાં બ્લડ સેમ્પલ લઈને જવા દેવામાં આવ્યા છે.

પોલીસ તપાસમાં પીએસઆઈ રજા પર ન હોવા છતાં તેઓ દારૂની મહે‌િફલમાં હાજર હતા, જેને લઈ સુરેન્દ્રનગર પોલીસ અમદાવાદ પોલીસને જાણ કરશે. સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના મોટી મજેઠી ગામમાં આવેલા રિસોર્ટમાં અમદાવાદના દાણીલીમડામાં રહેતા ટાઇલ્સના વેપારી ઇરફાન રઝાક મેમણના જન્મદિવસની પાર્ટી મનાવવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ પ્રશાંત સિંગર‌િખયા અને ચાર યુવતીઓ સહિતના નબીરાઓ રિસોર્ટમાં આવ્યા હતા.

બજાણા પોલીસે દરોડો પાડી અમદાવાદના ૧૧ લોકો સ‌િહત ર૧ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે પીએસઆઈ સ‌િહતના લોકોનું મેડિકલ કરાવ્યું હતું, જેમાં નશામાં ચકચૂર બનેલા આઠ શખ્સો સામે ગુનો દાખલ કરાયો હતો, જયારે બાકીના ૧૩ લોકોનાં બ્લડ સેમ્પલ લઇ જવા દેવાયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા દીપક મેઘાણીએ ‘સમભાવ મેટ્રો’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જેવી મહત્ત્વની એજન્સીના જવાબદાર પીએસઆઇ રજા પર ન હોવા છતાં તેમના કાર્યક્ષેત્રથી બહાર હતા. આ મામલે અમદાવાદ પોલીસને રિપોર્ટ કરવામાં આવશે. પાંચ ગાડીઓ પણ કબજે કરવામાં આવી છે, જેમાં એક ગાડી પીએસઆઈ લઈને આવ્યા હતા, તેની પણ તપાસ કરવામાં આવશે.

પીએસઆઈ દારૂ પીધેલા ન હતા છતાં પણ તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં છે. આ બાબતે તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, કોઈને પણ છોડવામાં આવશે નહીં.

રિસોર્ટની સામે આવેલી હોટલમાં આ નબીરાઓ જમવાનું લેવા ગયા હતા. હોટલ માલિકે પૈસા માગતાં પૈસા આપવાની ના પાડીને બોલાચાલી કરી હતી. પોલીસને જાણ કરાતાં પોલીસ હોટલ પર આવી હતી. બાદમાં ખાનગી રીતે તપાસ કરતાં દારૂ પીધેલા ઝડપાયા હતા. પીએસઆઈ સિંગર‌િખયાની ગાડી પણ જપ્ત કરી લેવામાં આવી છે.

You might also like