ચંદ્રકાંતને આરામના મૂડમાં જોઈ મનીષે માથામાં પાઈપ ફટકારી દીધી

અમદાવાદ: શહેર ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની હત્યાના મામલે આરોપી મનીષને ગઇ કાલે વડોદરા ગ્રામ્ય અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે કરજણ રેલવે સ્ટેશન પરથી ઝડપી લીધો હતો. આરોપી મનીષની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચ તેની નાર્કોટિકસના ગુના અંંગે ઘણી બાબતે ધરપકડ કરશે, જેથી તે ભાગી જવાની ફિરાકમાં જ હતો અને ઈન્ટ્રોગેશન રૂમમાં પૂછપરછ બાદ કોન્સ્ટેબલ ચંદ્રકાંતને આરામના મૂડમાં જોઇ તેણે બાજુમાં પડેલી પાઇપથી અચાનક હુમલો કરી દીધો હતો.

પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ આરોપી મનીષે ભાગી જવા માટે આરામના મૂડમાં રહેલા ચંદ્રકાંતને એક ફટકો મારતાં તેઓને તમ્મર આવી ગયા હતા છતાં કોન્સ્ટેબલે સામે પ્રતિકાર કર્યો હતો અને બંને વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી. જેમાં આરોપી મનીષને મોઢાના ભાગે ઇજાઓ થઇ હતી, પરંતુ એક પછી એક બેથી ત્રણ માથામાં ફટકા મારતાં ચંદ્રકાંત જમીન પર ઢળી ગયા હતા અને તેઓનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.હત્યા કર્યા બાદ આરોપી રૂમમાંથી બહાર નીકળી મેઇન ગેટથી આગળ વોશ રૂમ તરફ ગયો હતો, પરંતુ ત્યાંથી બહાર જવાનો રસ્તો ન મળતાં તે મેઇન ગેટ તરફ ગયો હતો અને મેઇન ગેટથી બહાર નીકળીને પાર્કિંગ તરફ જઇ દીવાલ કૂદી ફરાર થઇ ગયો હતો.

દીવાલ કૂદ્યા બાદ તે રિવરફ્રન્ટ તરફ ગયો હતો અને ત્યાંથી રિક્ષા કરી કાલુપુર રેલવે સ્ટેશન ગયો હતો અને સ્ટેશનથી તે ટ્રેનમાં બેસી બાંદ્રા ગયો હતો. બાંદ્રા ગયા બાદ જયપુર પોતાના ગામે જશે તો પોલીસના હાથે ઝડપાઇ જશે તે બીકના કારણે કોટા જવાનું વિચારી જયપુરથી ટ્રેનમાં બેઠો હતો. જયપુર તરફ જતાં વચ્ચે તેણે બે વખત તેના પરિવારજનો સાથે ફોન પર વાતચીત કરી હતી અને આ ફોન ટ્રેસ થતાં જ પોલીસે મોબાઇલ લોકેશન મેળવી કરજણ ખાતે ટ્રેન પહોંચતાં રેલવે ડીઆરએમને પોલીસે જાણ કરી ટ્રેન રોકાવી હતી અને તેને દબોચી લીધો હતો. ક્રાઇમ બ્રાન્ચ મોડી રાત્રે ૧ર-૩૦ વાગ્યે મનીષને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઇ આવી હતી અને મેડિકલ ટેસ્ટ માટે તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ આરોપી મનીષને મોડી સાંજે કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડની માગ કરવામાં આવશે અને હત્યા કઇ રીતે કરી તેનું રીકન્સ્ટ્રકશન પણ કરાશે.

નાઇટ ડ્યૂટીમાં કોણ કોણ હતું તેનો રિપોર્ટ તૈયાર કરાયો
કોન્સ્ટેબલ ચંદ્રકાંતની હત્યાના દિવસે ક્રાઇમ બ્રાન્ચમાં કોણ કોણ ડયૂટી પર હાજર હતું, કોની સ્કવોડના માણસો હતા તેમજ તેઓ ઘટના સમયે કયાં અને શું કામગીરી કરી રહ્યા હતા તેનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવશે અને જો કોઇની બેદરકારી બહાર આવશે તો તેના સામે ચોક્કસ પગલાં લેવાશે. જોકે પ્રાથમિક રીતે પીઆરઓ ખુમાનસિંહની બેદરકારી બહાર આવતાંં ડીસીપી દીપન ભદ્રને તેઓને સસ્પેન્ડ કરી દીધા છે.

ઘોડા નાસી છૂટ્યા બાદ તબેલાને તાળાં મારવા જેવી સ્થિતિ
ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાં જ કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની હત્યા કર્યા બાદ આરોપી મનીષ નાસી છૂટવામાં સફળ થયો હતો. જડબેસલાક સુરક્ષા કવચમાંથી આરોપી નાસી છૂટવામાં સફળ થયા બાદ રહી રહીને જાગેે ક્રાઇમ બ્રાન્ચની પોલીસે ક્રાઇમ બ્રાન્ચની સુરક્ષામાં વધારો કરી દીધો છે. વધુ એસઆરપીની ટુકડીઓ અને પોલીસ જવાનોને ક્રાઇમ બ્રાન્ચ બહાર ગોઠવી દેવામાં આવ્યા છે. ઘોડા નાસી છૂટ્યા બાદ તબેલાને તાળાં મારવા જેવી સ્થિતિ રહી રહીને જાગેલી પોલીસે કરીને પોતાની બેદરકારી છુપાવવાનો પ્રયાસ કરી રહી છે.

આરોપી મનીષે મુંબઇથી તેની પત્ની અને મિત્રોને ફોન કર્યા હતા
હત્યા કર્યા બાદ આરોપી મનીષ ટ્રેન મારફતે બાંદ્રા જતો રહ્યો હતો ત્યાં ગયા બાદ તેણે જયપુર ખાતે તેની પત્ની અને બીજા મિત્રોને ફોન કર્યા હતા. આ ફોન પોલીસ દ્વારા ટ્રેસ થઇ જતાં આરોપીનું લોકેશન મેળવવામાં પોલીસને સફળતા સાંપડી હતી.

You might also like