કોર્પોરેશનમાં હવે ૧૫થી ૨૮ ફેબ્રુઆરી સ્વચ્છ ભારત મિશનનું ગતકડું ચાલશે!

અમદાવાદ: મ્યુનિ. તંત્રમાં એક અથવા બીજા પ્રકારનાં ગતકડાં ચાલતાં રહે છે. નાગરિકોને આંજી દેવા સત્તાધીશો નવા નવા તરંગ-તુક્કાઓ લડાવતા આવ્યા છે. કયારેક ‘ઉપર’થી ફરમાઈશના આધારે સત્તાવાળાઓ અવનવા સ્ટંટ કરે છે. અગાઉ મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાનના ઓઠા હેઠળ લાખો રૂપિયાનું આંધણ કરનાર કોર્પોરેશન હવે સ્વચ્છ ભારત મિશન હાથ ધરશે. જેનું આગામી તા.૧૫થી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૬ સુધી અભિયાન ચાલશે.

મહાત્મા ગાંધીના જન્મદિવસ ગત તા.૨ ઓક્ટોબર, ૨૦૧૪થી અમદાવાદ કોર્પોરેશને શહેરભરમાં મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે. તત્કાલીન મેયર મીનાક્ષીબહેન પટેલના શાસનકાળમાં આ અભિયાન અંતર્ગત વિવિધ પ્રકારનાં ફોટોસેશન, રેલી વગેરે ગાજી ઊઠ્યા હતા. પોલીસ સ્ટેશનો, સ્કૂલો-કોલેજો સહિતની તમામ જાહેર સરકારી, ખાનગી મિલકતોમાં સ્વચ્છતા ઝુંબેશ કરાઈ હતી.

પરંતુ હવે સ્વચ્છ ભારત મિશનની ચર્ચાએ જોર પકડ્યું છે. હેલ્થ વિભાગના ઈન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકીને સ્વચ્છ ભારત મિશનના નોડલ ઓફિસરની વધારાની જવાબદારી સોંપાઈ છે. અગાઉ સો‌િલડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રશાંત પંડ્યા નોડલ ઓફિસર હતા, જોકે હેલ્થ વિભાગ ‘ઈન્ચાર્જ’ના હવાલે છે. સુહાસ પી. કુલકર્ણી સેવા નિવૃત્ત થયા બાદથી એટલે કે ઓક્ટોબર-૨૦૧૩થી ડો. ભાવિન સોલંકી પાસે આ વધારાનો હવાલો છે. તેમની પાસે અન્ય ઘણા વિભાગો હતા. તેમાં સ્વચ્છ ભારત મિશનના નોડલ ઓફિસરની વધારાની ફરજ સોંપાતાં હેલ્થ વિભાગની કામગીરી પ્રભાવિત થઈ રહી છે.

જોકે ‘ઉપર’ના સ્તરના નિર્દેશથી અમદાવાદ કોર્પોરેશન ‘સ્વચ્છ ભારત મિશન’ ઊજવશે. તા.૧૫ ફેબ્રુઆરીથી છેક ફેબ્રુઆરીના અંત સુધી આ મિશન ચાલશે. આ મિશનમાં તમામ મ્યુનિ. હોસ્પિટલો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સાફસફાઈ હાથ ધરાશે. આમ પણ હેલ્થ વિભાગ પાસે નાગરિકોલક્ષી સમસ્યાઓની ભરમાર છે. ફોગીંગના અભાવે મચ્છરોનો ઉપદ્રવ બારે મહિનાઓ થતાં લોકો પરેશાન છે એટલે ફક્ત મ્યુનિ. હોસ્પિટલો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ‘સ્વચ્છ’ કરવાથી કશું થવાનું નથી, પરંતુ સ્વચ્છ ભારત મિશન માટે તંત્રને રૂ.૨૦૯ કરોડની કેન્દ્રની ગ્રાંટ મળવાની હોઈ સત્તાવાળાઓને પણ છૂટકે-નાછૂટકે આવા કાર્યક્રમો કરીને ‘ઓનપેપર’ સ્વચ્છતા બતાવવી પડે આ અંગે હેલ્થ કમિટીના ચેરમેન દિનેશ દેસાઈને પૂછતાં તેઓ કહે છે, “આગામી તા.૧૫થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાનનું ‘સ્વચ્છ ભારત મિશન’ પૂરેપૂરી ગંભીરતાથી હાથ ધરાશે, જેમાં કોઈ પણ પ્રકારની ઢીલ નહીં હોય. હું મોનિટરિંગ કરીશ અને આપણું શહેર સ્વચ્છ બનવા તરફ આગળ વધશે.”

You might also like