ફાઈનલ ફિગરઃ અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીમાં ૪૬.૨૩ ટકા મત પડ્યા

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ગઇ કાલે યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ ૪૮ ટકા મતદાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ ખોટો પુરવાર થયો છે. અમદાવાદના મતદારોએ અગમ્ય કારણસર મતદાન કે ચૂંટણી પ્રત્યે ઉદાસીનતા દાખવતાં આશ્ચર્યજનક રીતે છેલ્લી ચૂંટણી કરતાં પણ ઓછું એટલે કે ૪૬.૨૩ ટકા મતદાન નોંધાયું છે. અમદાવાદમાં છેલ્લી ૨૦૧૦ની ચૂંટણીમાં ૪૪.૧૨ ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે આ વખતે નવેમ્બર-૨૦૧૫ની ચૂંટણીમાં મતદારોની સંખ્યા વધી હોવા છતાં ૪૬.૨૩ ટકા એટલે કે છેલ્લી ચૂંટણી કરતાં ૨.૧૧ ટકા મતદાન વધુ નોંધાયું છે. પ્રથમ વાર કોર્પોરેશનની ચૂંટણીમાં ૫૦ ટકા મહિલા અનામત હોવા છતાં મહિલા મતદારોએ મતદાન પ્રત્યે ઉદાસીનતા દાખવી હતી. છેલ્લી ચૂંટણીમાં ૩૩ ટકા મહિલા અનામત હતી. આ ચૂંટણીમાં કુલ ૧૯૨ બેઠક પૈકી ૯૬ બેઠક મહિલાઓની હતી.
|
જોકે સૌથી વધારે મહિલા મતદારો ધરાવતા પાલડી વોર્ડમાં પણ મહિલાઓનું ઓછું મતદાન થયું હતું. અમદાવાદ કોર્પોરેશનની કુલ ૧૮,૪૨,૭૬૬ મહિલા મતદારો પૈકી ૭,૭૦,૩૫૫ મહિલા મતદારોએ મતદાન કર્યું હતું એટલે કે મહિલા મતદારોની ટકાવારી ૪૧.૮૦ ટકા નોંધાઇ હતી, જે ઓક્ટોબર-૨૦૧૦ની ૪૧.૬૮ની ટકાવારી કરતાં આશ્ચર્યજનક રીતે ૦.૦૨ ટકા વધુ છે! પોશ નવરંગપુરા વોર્ડમાં સૌથું ઓછું ૩૭.૨૯ ટકા મતદાન જ્યારે પાટીદારોના વર્ચસ્વ ધરાવતા વસ્ત્રાલ વોર્ડમાં સૌથી વધુ ૫૬.૩૩ ટકા મતદાન થયું હતું. બીજી તરફ આ ચૂંટણીમાં ત્રણ કોર્પોરેટરની પેનલને બદલે નવા સીમાંકનના આધારે ચાર કોર્પોરેટરની પેનલ હતી. કુલ ૬૪ વોર્ડના બદલે કુલ ૪૮ વોર્ડ કરાયા હતા. જોકે અમદાવાદીઓને આ બધા ફેરફારો ખાસ ગમ્યા હોય તેમ લાગતું નથી, કેમ કે નવા ફેરફારો સાથેની ચૂંટણી કરાઇ હોવા છતાં પણ મતદારોએ ઉદાસીનતા દાખવતાં ગત ચૂંટણી કરતાં ઓછું મતદાન નોંધાયું છે.

જોકે હજારો મતદારોનાં નામ મતદારયાદીમાંથી ગાયબ થવાને કારણે પણ મતદાનની ટકાવારીમાં ઘટાડો થયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પાટીદાર અનામત આંદોલનના કારણે મતદાનની ટકાવારી ઊંચી જશે તેવી ધારણા પણ સાચી પડી નથી. રાજ્યનાં અન્ય કોર્પોરેશન પૈકી સુરતમાં પણ ઓછું મતદાન થયું છે. જ્યારે ગઇ ચૂંટણીની સરખામણીમાં વડોદરા, જામનગર, રાજકોટ, ભાવનગર કોર્પોરેશનમાં થોડુંક વધુ મતદાન થયું છે.

You might also like