કોર્પોરેશન બજેટમાં કોર્પોરેટરને 25 લાખ, શું આ બજેટ વપરાય છે ખરાં?

અમદાવાદ, શનિવાર
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલે પ્રત્યેક કોર્પોરેટરને વોર્ડમાં જનસુખાકારીનાં કામ માટે વાર્ષિક રૂ.રપ લાખનું બજેટ ફાળવતાં શહેરનાં તમામ ૧૯ર કોર્પોરેટર દેખીતી રીતે રાજીના રેડ થઇ ગયા છે. ક્ષુલ્લક બાબત માટે ભાજપ સામે શિંગડાં ભરનાર કોંગ્રેસ પણ આમાં ‘દલા તરવાડીનાં રીંગણાં’ની જેમ સૂરમાં સૂર મિલાવી રહી છે.

હવે પછી તમામ કોર્પોરેટર પાંચ વર્ષની પોતાની મુદત દરમ્યાન રૂપિયા સવા કરોડ જેટલી માતબર રકમ મેળવશે પરંતુ આમાં આઘાતજનક બાબત એ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે કોર્પોરેટર બજેટની સમીક્ષા માટે કોઇ જ પ્રમાણભૂત સિસ્ટમ નથી એટલે મહંદશે બજેટનાં નાણાં અદ્ધરતાલ વપરાઇ જશે.

આમ તો સ્ટેન્ડિંગ ચેરમેન પ્રવીણ પટેલે કલમના એક ઝટકે કોર્પોરેટરના વાર્ષિક બજેટને રૂ.રપ લાખનું કરીને વિપક્ષ કોંગ્રેસની વાહવાહી મેળવી લીધી છે.
આમ તો કોર્પોરેટર બજેટનાં કામમાં સામાન્ય રીતે દશ ટકાની ખાયકીનું સર્વસ્વીકૃત પ્રમાણ છે. એટલે રૂ.રપ લાખના વાર્ષિક બજેટ પૈકી રૂ.ર.પ૦ લાખ તો આપમેળે કોર્પોરેટરના બેન્ક કે ઘરમાં ‘વ્યવહાર’ તરીકે જમા થઇ જશે. પરંતુ લેભાગુ કોર્પોરેટરોને ‘બખ્ખેબખ્ખાં’ થઇ જશે.

બાંકડા, ટ્રી ગાર્ડ કે ડસ્ટબિનની ફાળવણીના મામલે કૌભાંડી કોર્પોરેટરના ઘર બે નંબરી નાણાંથી ભરાઇ જશે. આવાં કામોમાં પ૦થી ૬૦ ટકા સુધીનો ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. આને માટે વહીવટીતંત્ર જ સીધી રીતે જવાબદાર છે કેમકે તંત્ર દ્વારા હજુ સુધી બાંકડા, ટ્રી ગાર્ડ અને ડસ્ટબિનમાં ‘નંબરિંગ સિસ્ટમ’ લાગુ કરાઇ નથી.

જે તે સ્થળ પર એક વખતે પચાસ બાંકડા કે પાંચસો ટ્રી ગાર્ડ કે એક હજાર ડસ્ટબિનનો માલ ઉતારી લઇને તેનાં બિલ બની જાય કે પછી આનો ઉપયોગ અન્યત્ર સિફતપૂર્વક કરીને બેનંબરી કમાણી કરાય છે. અથવા તો ‘કાગળ’ પર આંકડાઓ ચિતરીને ખોટા ‍બિલ બનાવી લેવાય છે. તંત્રનો બજેટ વિભાગ પણ કોર્પોરેટરના બજેટના ખરા અર્થમાં ઉપયોગની તપાસમાં પડતો નથી. બજેટ વિભાગ ફક્ત કેટલા કોર્પોરેટરનું વર્ષ દરમ્યાન કેટલું બજેટ વપરાયું તેના જ આંકડા તૈયાર કરે છે. કોર્પોરેટર બજેટનાં કામોનું જનરલ ઓડિટ થાય છે. આ કામોનું સ્પેસિફિક ઓડિટિંગ થતું નથી.

આ તો ઠીક, સ્માર્ટ સિટીના ગાણાં ગાનાર શાસકોએ કોર્પોરેટર બજેટની માહિતી સામાન્ય લોકો સુધી પહોંચતી કરવા તેને તંત્રની વેબસાઇટ પર મૂકવાની હજુ સુધી હિંમત દાખવી નથી. પરિણામે છેલ્લા એક દાયકામાં કોર્પોરેટરનું વાર્ષિક બજેટ રૂ.ત્રણ લાખથી રોકેટ ગતિએ વધીને ભલે વાર્ષિક રૂ.રપ લાખનું થયું છે પરંતુ આની સાથે સાથે ભ્રષ્ટાચારનું પ્રમાણ પણ બેફામ રીતે વધ્યું છે.

You might also like