સત્તાધારી કોંગ્રેસનો આજે એસિડ ટેસ્ટઃ બે બળવાખોર સભ્યો બાજી પલટાવી શકે છે

અમદાવાદ: અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપના દસ વર્ષના શાસન બાદ ફરી એક વખત કોંગ્રેસ સત્તા ઉપર અાવી છે. અા સંજોગોમાં કોંગ્રેસના હાથમાં અાવેલી સત્તાને હસ્તગત કરવા ભાજપ દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે અાજે બપોરે મળનારી બજેટ અંગેની સામાન્ય સભામાં ભાજપ દ્વારા બજેટ નામંજૂર કરવાનો પ્રયાસ કરાશે, જેના માટે કોંગ્રેસના ત્રણ સભ્યોને વિરુદ્ધમાં મતદાન કરવા માટે તૈયાર કરાયા છે.

જ્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા બજેટ મંજૂર કરાવીને પોતાની સત્તા જાળવી રાખવા માટેની તડજોડ કરવામાં અાવી રહી છે. કોંગ્રેસ દ્વારા વાડ પર બેઠેલા સભ્યોને સસ્પેન્ડ કરવાની નોટિસ અાપી દેવાઇ છે, પરંતુ અાજની બેઠકમાં પણ અા પૈકીના અથવા અન્ય જે કોઈ સભ્ય પક્ષ વિરુદ્ધ મતદાન કરશે તેમનું સભ્યપદ રદ કરવા માટે વિકાસ કમિશનરને કહેવાશે તેમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ખોડાજી ઠાકોરે જણાવ્યું હતું.

‍અમદાવાદ જિલ્લા પંચાયતમાં સત્તાધારી કોંગ્રેસ પક્ષ પાસે 34માંથી 18 સભ્ય અને ભાજપ પાસે 16 સભ્ય છે. અા નજીવી બહુમતીને દૂર કરવા માટે ભાજપ દ્વારા સભ્યને પોતાની તરફેણમાં લેવા માટે યેનકેન પ્રકારની યુક્તિ-પ્રયુક્તિ કરવામાં અાવી રહી છે. અમદાવાદ જિલ્લા પંચાયતની તા.21 માર્ચને સોમવારે મળેલી બજેટ બેઠકમાં કોંગ્રેસના 18માંથી ત્રણ સભ્યને ખેરવવામાં ભાજપ સફળ રહ્યું હતું, જોકે છેલ્લી ઘડીએ ભાજપના એક સભ્ય ગેરહાજર રહેતાં ભાજપ પાછળ રહી ગયું હતું. અા મામલે હોબાળો થતાં બેઠક મુલતવી રહી હતી.

અાજે બપોરે ફરીથી બજેટ બેઠક મળનારી છે. અા બેઠકમાં કોંગ્રેસના સભ્યો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરશે તો તેમની સામે પક્ષાંતર ધારાની કલમ લગાડીને તેમને ઘરે બેસાડવા માટે વિકાસ કમિશનર સમક્ષ તેમનું સભ્યપદ રદ કરવા માટે દરખાસ્ત કરાશે.

અા બાબતને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે સમર્થન અાપીને જણાવ્યું હતું કે પક્ષે અગાઉની બેઠકમાં પણ વ્હિપ અાપ્યો હતો તેમ છતાં પક્ષ વિરુદ્ધ ત્રણ સભ્યો ગયા હતા. અા સભ્યોને સસ્પેન્ડ કરવાની નોટિસ અાપી છે. અાજની બેઠકમાં પણ અા પૈકીના કે અન્ય કોઈ સભ્ય પક્ષની વિરુદ્ધમાં મતદાન કરશે તો તેમને પંચાયતના સભ્યપદેથી દૂર કરવા વિકાસ કમિશનરને દરખાસ્ત કરીને તેમને ઘરે બેસાડવામાં અાવશે અને તેઅો અાગામી પાંચ વર્ષ સુધી કોઈ ચૂંટણી લડી નહીં શકે.

You might also like