જમાલપુર પગથિયાં પાસે બે જૂથ વચ્ચે મારામારી: વાહનોમાં તોડફોડ

અમદાવાદ: શહેરના જમાલપુર વિસ્તારમાં બે જૂથ વચ્ચે બે દિવસથી ચાલતી જૂની તકરાર અંગેની માથાકૂટમાં મારામારી થયા બાદ ગત રાત્રે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો અને વાહનોમાં તોડફોડ કરાતાં વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. નજીવી તકરારના મુદ્દે બુધવારે રાત્રે ફિરોઝખાન પઠાણ (ખાન સાઈકલવાળા) અને યુસુફ (હાજુ બાવા)નાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી અને રાત્રે સ્થાનિક લોકોની મધ્યસ્થીને પગલે મામલો થાળે પડી ગયો હતો, જોકે ગત રાત્રે ફરી આ જ મુદ્દે તકરાર થઈ હતી અને બન્ને પક્ષ વચ્ચે ફરી ઘાતક હથિયાર સાથે મારામારી અને પથ્થરમારો થયો હતો.

જમાલપુર પગથિયા પાસે રહેતા ફિરોઝ ખાન પઠાણ (ખાન સાઈકલવાળા) અને યુસુફ (હાજુ બાવા)ના જૂથ વચ્ચે કોઈ મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી તકરાર ચાલી રહી છે. બુધવારે સાંજે બન્ને પક્ષ વચ્ચે બોલાચાલી અને મારમારી થઈ હતી. આ સમયે સ્થાનિક લોકોએ વચ્ચે પડીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. બીજી તરફ ઘટનાની જાણ થઈ હોવા છતાં ગાયકવાડ હવેલી પોલીસે યોગ્ય કાર્યવાહી નહીં કરતાં બન્ને પક્ષના લોકો વધુ ઉગ્ર બન્યા હતા.

ગત રાતે ફરી એક વાર બન્ને પક્ષના લોકો સામસામે આવી ગયા હતા અને બને પક્ષે બોલાચાલી થઇ હતી. બાદમાં ઘાતક હથિયારો વડે ટોળાએ મારામારી અને પથ્થરમારો કર્યો હતો. ટોળાએ એક ગાડીના કાચ અને રિક્ષાના કાંચ તોડ્યા હતા. ફિરોઝખાન પઠાણ આરજેડી પાર્ટીના ગુજરાતના પ્રમુખ છે. ઘટનાની જાણ થતાં ગાયકવાડ હવેલી પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દોડી આવ્યાં હતાં અને સ્થિતિ કાબૂમાં લીધી હતી. સમગ્ર વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. પોલીસે યુસુફ, રફીક, અલ્તાફ, સાહિલ, સા‌િજદ, મહેબૂબ અને સાયબર કાફેવાળા માજિદ સામે રાયો‌િટંગ અને મારામારીનો ગુનો નોંધી પાંચ લોકોની અટકાયત કરી છે.

You might also like