શહેરમાં ઘટાટોપ વૃક્ષનાં અાડેધડ છેદનઃ નજીવો દંડ ફટકારાય છે

અમદાવાદ: એક તરફ અમદાવાદમાં સત્તાધીશો ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા લોકોને ઘટાદાર વૃક્ષોના છાંયડા નીચે બેસવાની સુફિયાણી સલાહ આપે છે, બીજી તરફ તંત્રની ઉદાસીનતાના કારણે શહેરમાં આડેધડ વૃક્ષછેદન થઇ રહ્યું છે. છેલ્લાં પ વર્ષમાં ૮૭૧ ઘટાદાર વૃક્ષોને ગેરકાયદે કાપી નખાયાં હોવાની કબુલાત ખુદ કોર્પોરેશને કરી છે.

તાજેતરમાં મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા મેટ્રો રેલવેના રૂટને નડતરરૂપ બે હજાર જેટલા લીલાંછમ વૃક્ષોને કાપી નાખવાની દિશામાં હિલચલ હાથ ધરાઇ છે. અગાઉ બીઆરટીએસ રૂટ માટે નડતરરૂપ અસંખ્ય વૃક્ષોનું નિકંદન કઢાયું હતું. આ તો જે તે પ્રોજેકટ માટે વૃક્ષોને મૂળ સમેત ઉખેડી નખાયા તેવાં વૃક્ષો છે. પરંતુ છેલ્લાં પાંચ વર્ષમાં ૮૭૧ ઘટાદાર વૃક્ષોનો ગેરકાયદે દાટ વળાયો હોવાનું મ્યુનિ. બાગ-બગીચા વિભાગ પાસેથી જાણવા મળ્યું છે. મ્યુનિ. બાગ-બગીચા વિભાગના ચોપડે છેલ્લાં પ વર્ષમાં ગેરકાયદે વૃક્ષછેદનના કુલ ર૦૩ કેસ નોંધાયા છે, જેમાં કોર્પોરેશને માંડ રૂ.૭.પ૭ લાખનો દંડ વસૂલ્યો છે. કોર્પોરેશનની જાણ બહાર અસંખ્ય વૃક્ષોનું નિકંદન કાઢી નખાયું હોવાનો એકરાર તંત્ર કરે છે.

ગેરકાયદે વૃક્ષછેદન કરનાર ગુનેગારને એક હજાર સુધીનો દંડ કરવાની હાસ્યાસ્પદ જોગવાઇ છે, જોકે મ્યુનિ. બાગ-બગીચા ખાતાના ડાયરેક્ટર ‌િજજ્ઞેશ પટેલ કહે છે, “ગેરકાયદે વૃક્ષછેદન કરનાર પાસેથી મ્યુનિ. કમિશનરની મંજૂરી મેળવીને રૂ.રપ,૦૦૦ સુધીનો દંડ વસૂલાય છે.

કયાં વૃક્ષોને કાપી નખાયાં?
લીમડો, પીપળ, આસોપાલવ, પેલ્ટુફોરમ, ચીની બદામ, કણજી, ગુલમોર, આંબલી, ગુંદો, વડ, કાસીદ, રેઇન-ટ્રી, સ્પેથોડિયા, સપ્તપર્ણી, ગરમાળો.

છેલ્લાં પાંચ વર્ષમાં થયેલા ગેરકાયદે વૃક્ષછેદનના કેસ-દંડ
વર્ષ                 કેસ       કપાયેલાં વૃક્ષો      ગુનેગાર     દંડની રકમ
ર૦૧૦-૧૧       ૩૦         ૧૩૪                     ૩૦              ૧,પ૭,ર૦૦
ર૦૧૧-૧ર       ૧૭          ૩૩                       ૧૭              ૮૩,૦૦૦
ર૦૧ર-૧૩       ૪૩          ૩રર                     ૪૩             ૧,ર૭,૦૦૦
ર૦૧૩-૧૪       પ૧         ૧૬૧                     પ૧              ર૦,૦૦૦
ર૦૧૪-૧પ      ૬ર         રર૧                      ૬ર              ૩,૬૯,પ૦૦
કુલ ર૦૩        ૮૭૧                    ર૦૩             ૭,પ૬,૭૦૦

You might also like