કોટ વિસ્તારમાં દબાણોથી ટ્રાફિકનો પ્રશ્ન વિકટઃ મ્યુનિ.એ કાન પકડ્યા

અમદાવાદ: શહેરની ટ્રાફિક વ્યવસ્થાના સરળીકરણ માટે શાસકો દ્વારા નવા ફલાય ઓવર, અંડરપાસ વગેરેનું આયોજન કરાઇ રહ્યું છે. આગામી નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮ના બજેટમાં કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા કુલ નવ નવા બ્રિજની જાહેરાત કરાઇ છે, પરંતુ જાણ્યે-અજાણ્યે કોટ વિસ્તારની અવગણના થઇ રહી છે. ખુદ મ્યુનિસિપલ મુખ્યાલય સામેનો આસ્ટોડિયા રોડ પણ કોટ વિસ્તારના રિલીફરોડ અને ગાંધીરોડની જેમ વાહનચાલકો માટે માથાનો દુખાવો બન્યો છે, જોકે છેલ્લાં બે વર્ષમાં કોટ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ વધ્યું હોવાની કબૂલાત ખુદ વહીવટીતંત્રએ પણ કરી છે.

બાપુનગર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર જે. ડી. પટેલના એક પ્રશ્નનો લેખિત પ્રત્ત્યુત્તર પાઠવતાં સત્તાવાળાઓએ કોટ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ વધ્યું છે તેમ જણાવ્યું છે. કોટ વિસ્તારના ટ્રાફિકને ઘટાડવા તંત્ર દ્વારા કાલુપુર સર્કલ અને ગીતામંદિર જંક્શન પર નવા સિગ્નલ ઊભા કરાશે. ઢાળની પોળથી રાયપુર દરવાજા સુધીની આસ્ટોડિયા રોડ પરની હયાત મોટી ફૂટપાથ અને દબાણને દૂર કરી રસ્તો ખુલ્લો કરાશે તેમજ સારંગપુર સર્કલના આઇલેન્ડને નાનો કરાશે તેવી ખાતરી પણ તંત્રએ આપી છે.

જોકે શહેરમાં મુકાયેલા સીસીટીવી અંગે ગઇ કાલની બજેટ બેઠકના પહેલા દિવસે વિવાદનો વંટોળ ઊઠ્યો હતો. જે. ડી. પટેલે ક્યા ટ્રાફિક પોઇન્ટ પર સીસીટીવી કેમેરા લગાવાયા છે તેની માહિતી તંત્ર છુપાવી રહ્યું હોવાનો આક્ષેપ કરતાં ગૃહમાં ગરમાગરમી સર્જાઇ હતી. વિપક્ષ કોંગ્રેસના નેતા દિનેશ શર્માએ એવો આક્ષેપ કર્યો હતો કે કોર્પોરેશનના ચોપડે તો સીસીટીવી કેમેરા વગેરેનાં કામ દર્શાવાય છે, પરંતુ સ્થળ પર સીસીટીવી કેમેરા હોતા જ નથી!

આ અંગે વિવાદ ઉગ્ર બનતાં છેવટે કમિશનર મુકેશકુમારે ખુલાસો કરતાં કહ્યું કે શહેરના ૧૪ અંડરપાસ સિવાયનાં સ્થળોએ ટ્રાફિક પોલીસે સીસીટીવી કેમેરા મૂક્યા હોઇ પાલડીના મુખ્ય કંટ્રોલરૂમમાં તેના ફીડબેક કોર્પોરેશન મફતમાં મેળવી રહ્યું છે. સ્માર્ટ સિટી હેઠળ આગામી છ મહિનામાં કોર્પોરેશન વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકશે. કમિશનરના ખુલાસા બાદ એએમટીએસના બજેટમાં સીસીટીવી કેમેરાની કામગીરી તંત્ર દ્વારા કરાઇ તેવી અપાયેલી જાણકારી સામે દિનેશ શર્મા, જે. ડી. પટેલ વગેરેએ વિરોધ ઉઠાવતાં બોર્ડના અધ્યક્ષ મેયર ગૌતમ શાહ કે સ્ટેન્ડિંગ ચેરમેન પ્રવીણ પટેલ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા.
http://sambhaavnews.com/

You might also like