શહેરમાં સિવિલ જેવી મિની હોસ્પિટલ શરૂ કરાશે

અમદાવાદ: રાજ્ય સરકારે અારોગ્ય પોલિસી અંતર્ગત અમદાવાદ સહિત કુલ ચાર શહેરોમાં મિની સિવિલ હોસ્પિટલ બનાવવા માટેની તૈયારીઅો શરૂ કરી દીધી છે. અાગામી છ માસમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલની રેપ્લિકા જેવી મિની સરકારી હોસ્પિટલ અમદાવાદમાં કાર્યરત કરવાનો નિર્ણય લીધો છે. શરૂઅાતના તબક્કે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ માટે કુલ રૂ. ૫૦૦ કરોડના ખર્ચે મિની હોસ્પિટલ શરૂ કરાશે. એક હોસ્પિટલ દીઠ રૂ. ૧૨૫ કરોડનું ફંડ ફાળવવાનો નિર્ણય લેવાયો છે. તાજેતરમાં મળેલી કેબિનેટ બેઠકમાં હેલ્થ પોલિસી અંગે ચર્ચા હાથ ધરાઈ હતી જેમાં હેલ્થ વિભાગ દ્વારા અા પ્રકારની મિની હોસ્પિટલ શરૂ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું અાધારભૂત સૂત્રો જણાવે છે.

અાવી મિની હોસ્પિટલમાં જુદા જુદા ૨૦ પ્રકારના ટેસ્ટ થઈ શકશે. મોટા ભાગે જાહેર અારોગ્ય કેન્દ્ર કરતાંં અા મોટાં હશે. અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ બે ભાગમાં મિની હોસ્પિટલ બની શકે છે તેવું સૂત્રોઅે જણાવ્યું હતું. ૩૦ જેટલા બેડની નાની હોસ્પિટલમાં રૂટિનથી લઈને ઇમર્જન્સી સારવાર અપાશે. અાવાં ક્લિનિક કે હોસ્પિટલ શહેરથી થોડા દૂરના િવસ્તારમાં પહેલાં શરૂ થશે જેથી દર્દીને સિવિલ હોસ્પિટલ સુધી જવું ન પડે. ટૂંક સમયમાં સરકાર દ્વારા તેની સત્તાવાર જાહેરાત કરાશે.

મિની હોસ્પિટલમાં સર્જરી અને ડેન્ટલ સુધીની તમામ સુવિધા હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યપ્રધાને અા યોજનાને મંજૂરી અાપી દીધી છે. અત્ર ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન ‘ટાઉન હોલ ટ્વિટર’ કાર્યક્રમમાં કોઈઅે ટ્વિટ કર્યું હતું કે ખાનગી હોસ્પિટલો ઉઘાડી લૂંટ ચલાવે છે. તે બંધ કરાશે? અા અનુસંધાને મુખ્યપ્રધાને અા બાબતને ગંભીરતાથી લઈને અારોગ્ય વિભાગને અાગળ વધવા જણાવ્યું હોવાનું જાણવા મળે છે. હાલમાં અાવી મિની હોસ્પિટલની રૂપરેખા અને મોડલ બનાવવાની તૈયારી શરૂ થઈ ચૂકી છે.

જેની જમીન મેળવવા મ્યુનિસિપલ કોર્પોરેશન અને અર્બન અોથોરિટીને જણાવી દેવાયું છે. અાગામી વિધાન સભાની ચૂંટણી પૂર્વે છ માસના સમયગાળામાં અાવી મિની હોસ્પિટલ પ્રારંભિક તબક્કે એક એક બાંધવાની સૂચના અપાઈ હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકારે અા યોજના ચાલુ કરી છે. જેને મહોલ્લા ક્લિનિક નામ અપાયું છે. જેને પ્રજાનો જબરો પ્રતિસાદ મળી રહ્યો છે.

You might also like