શહેરમાં લાઇસન્સ વગર પણ સિક્યોરિટી એજન્સીઓ ચાલે છે!

અમદાવાદ: શહેરમાં અનેક જગ્યાએ પ્રાઇવેટ સિક્યોરિટી એજન્સીઓ ચાલી રહી છે. સિક્યોરિટી એજન્સી ચલાવવા માટે લાઇસન્સ હોવું જરૂરી છે. પરંતુ શહેરમાં કેટલીક એવી પણ સિક્યોરિટી એજન્સીઓ છે કે તેની પાસે લાઇસન્સ નથી હોતું. આવી જ એક એજન્સી સામે એસઓજી ક્રાઇમ બ્રાંચે ફરિયાદ નોંધાવી છે. એસઓજી ક્રાઇમ બ્રાંચે દરિયાપુરની ઓમકાર એન્ડ ઇન્વેસ્ટિગેશન ફોર્સ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

એસઓજી ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એ.કે. વડિયા અને ટીમ શહેરમાં ચાલતી સિક્યોરિટી એજન્સીની તપાસ કરી રહી હતી. પેટ્રોલિંગ દરમ્યાન ડ્રાઇવ ઇન રોડ પર આવેલી સૌમિલ સોસાયટી પાસે પહોંચતા સોસાયટીના સિક્યોરિટી ગાર્ડને પૂછપરછ કરતાં ઓમકાર સિક્યોરિટી એજન્સીમાં છેલ્લા ર૦ દિવસથી નોકરી કરે છે.

સંકલ્પ રેસ્ટોરન્ટ રાજપથ કલબ પાસે અને ગુરુકુલ સંકલ્પ સ્કવેર ખાતે પણ સિક્યોરિટીના પોઇન્ટ આવેલા છે તેમ જણાવ્યું હતું. સિક્યોરિટીના માલિક અંગે પૂછપરછ કરતાં વ્યંકટેશપ્રસાદ શિવમૂર્તિપ્રસાદ દ્વિવેદી (રહે. સત્યનારાયણ મંદિર, દરિયાપુર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે વ્યંકટેશપ્રસાદની સિક્યોરિટી એજન્સી ચલાવવા અંગેનું લાઇસન્સ માગતાં તેઓ પાસે કોઇ લાઇસન્સ ન હોવાનું જણાવ્યું હતું. જેથી એસઓજી ક્રાઇમ બ્રાંચે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like