શહેર કોંગ્રેસના દાવેદારોમાં હાર્દિક-અલ્પેશ ઈફેક્ટથી ખળભળાટ મચ્યો

અમદાવાદ: અમદાવાદ શહેર ભાજપનો ગઢ ગણાતો હોઇ છેલ્લી ર૦૧રની ચૂંટણીમાં અમદાવાદમાં કુલ ૧૬ બેઠક પૈકી દરિયાપુર અને દાણીલીમડા એમ બે બેઠક પરથી કોંગ્રેસની જીત થઇ હતી. આ વખતે બે તબક્કામાં યોજાનારી ચૂંટણી હેઠળ અમદાવાદ શહેર અને જિલ્લાની ચૂંટણી તા.૧૪ ડિસેમ્બરે થશે. શાસક પક્ષ વિરુદ્ધના એન્ટી ઇન્કમબન્સીને પગલે કોંગ્રેસના શહેરના દાવેદારોમાં ટિકિટ મેળવવાનો ભારે ઉત્સાહ છવાયો છે જોકે કોંગ્રેસમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર ‘યુવા ચહેરા’ તરીકે ઊભર્યા હોઇ જે તે બેઠક પર છેલ્લી ઘડીએ સ્કાયલેબ પડે કે પેરાશૂટ ઊતરે તેવો ભય તમામ દાવેદારોમાં પ્રસર્યો છે.

કોંગ્રેસના દરિયાપુર બેઠકના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને દાણીલીમડા બેઠકના ધારાસભ્ય શૈલેશ પરમાર ટિકિટ મેળવવામાં ફરીથી સફળ થશે કે કેમ તે અંગે અને તર્ક વિર્તક ઊઠી રહ્યા છે. શૈલેશ પરમારની બેઠક માટે અંદાજે સો દાવેદાર છે. જોકે જાણકાર સૂત્રો કહે છે, ચુંટાયેેલા ધારાસભ્યો કરતા ચૌદ બેઠક પરના ગઇ ચૂંટણીના પક્ષના ઉમેદવારો કપાશે. પક્ષ હાઇકમાન્ડ અમદાવાદ શહેર ગુજરાતનું રાજકારણનું એપી સેન્ટર હોઇ શહેરમાંથી ઝળહળતી સફળતા મેળવવા માટે ફૂંકી ફૂંકીને પગલાં ભરશે.

શહેરની સોળ બેઠક માટે રપ૦થી વધુ દાવેદારો મેદાનમાં હોઇ ખાસ કરીને નિકોલ, ઠક્કરબાપાનગર, અસારવા, વટવા, બાપુનગર, અમરાઇવાડીમાં દાવેદારો વચ્ચે ગળાકાપ સ્પર્ધા છે. પરંતુ જે પ્રકારે પક્ષમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરનાં નવાં પરિબળ ઉપસ્યાં છે તેને જોતાં આ બેઠકો પરની ગળાકાપ સ્પર્ધા વધુ તીવ્ર બની છે. હજુ હમણાં સુધી પોતે રાજકારણમાં નહીં આવે તેવો હુંકાર ધાનેરાની વ્યસન મુક્તિ સભામાં કરનારા અલ્પેશ ઠાકોરે દારૂ પીવે તેને રૂ.બે લાખનો દંડ અને બે વર્ષની સજાની જોગવાઇ કરવાની સરકાર પાસે માગણી કરી હતી. પરંતુ મૂળ કોંગ્રેસી ગોત્રના અલ્પેશ ઠાકોરના વિધિવત પક્ષ પ્રવેશથી શહેરની બેઠકોનાં સમીકરણ ગૂંચવાયાં છે. તો અમરાઇવાડી બેઠક પરથી પાસના એક અગ્રણીનાં નામની અચાનક ચર્ચા શરૂ થતાં દાવેદારોમાં ખળભળાટ મચ્યો છે. જાણકાર સૂત્રો કહે છે, શહેરની બેઠકોનાં બદલાયેલા રાજકીય ગણિતના સંદર્ભમાં કેટલાક દાવેદારોએ દિલ્હીના આંટાફેરા શરૂ કર્યા છે. જોકે હાલમાં રાહુલ ગાંધીની નિગરાની હેઠળ સ્ક્રુટિની ચાલી રહી હોઇ આ દાવેવારોના દિલ્હીના ફેરા કેટલા અંશે સફળ નીવડશે તે પણ મોટો પ્રશ્ન છે.

You might also like