શહેરના ૨૦૪ બગીચા માત્ર સિક્યોરિટી-માળીના ભરોસે

અમદાવાદ: સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત એક તરફ શહેર પોલીસ દ્વારા શહેરના તમામ મુખ્ય રસ્તાઓને આવરી લેતું નેટવર્ક તૈયાર થઇ રહ્યું છે. તો બીજી તરફ શહેરની મધ્યમાં આવેલા ર૦૪ બગીચાઓમાં આવતા નાગરિકો આજે પણ સિક્યોરિટી અને માળીને ભરોસે છે. અમદાવાદના માત્ર બે બગીચા વસ્ત્રાપુરલેક અને લો ગાર્ડન સીસીટીવીનાં સર્વેલન્સ હેઠળ છે.

બગીચાઓમાં ગમે તેટલી માળાખાગત સુવિધાઓનાં વધારો કરવા મસ મોટી રકમ વાપરવામાં આવી હોય પરંતુ ચોરી, ઝપાઝપી, મારામારી જેવી અનેક પ્રકારની ગંભીર ઘટના બને તો નાગરિકો સે માત્ર બગીચાના દરવાજે રહેલા સિક્યોરિટી ગાર્ડ અને માળી પર નિર્ભર થવું પડશે. શહેરમાં જાહેર સ્થળોએ સલામતી ભાગરૂપે નાગરિકોને સુરક્ષા પૂરી પાડવા સીસીટીવી મૂકવાની યોજના હજી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે કાગળ પર છે. શહેરના કુલ ર૦૬ બગીચા પૈકી ૧૩પ જેટલા બગીચા ખાનગી સંસ્થાઓને સોંપવામાં આવ્યા છે.

હજારો પ્લાન્ટસ, ટ્રી ગાર્ડ, રમતગમતનાં સાધનો વિગેરે અનેક મૂલ્યવાન ચીજો ચોરાઇ જાય તો જવાબદારી કોની? આ બાબતે ખુદ કોર્પોરેશનના અધિકારીઓ પણ સંમત છે. છતાં કેટલાક જાણીતા બગીચાઓમાં રોજના હજારો નાગરિકો મોર્નિંગ, ઇવનિંગ વોક, રીડિંગ કે ફરવા માટે મુલાકાત લે છે.

અમદાવાદ શહેર પોલીસ, ટ્રાફિક અને મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ સાથે દર મહિને એક બેઠક યોજાય છે જેમાં ટ્રાફિક નિયમનથી લઇને નાગરિકોની સુરક્ષા બાબતે તમામ મુદ્દે ચર્ચા વિચારણા હાથ ધરાય છે. પરંતુ બગીચાઓનાં સીસીટીવી મૂકવા અંગે ચર્ચા કયારેય થઇ ન હોવાનું ખુદ કોર્પોરેશનના અધિકારીઓ સ્વીકારી રહ્યા છે.

બગીચામાં તંત્ર અત્યારે ખિસ્સા કાતરુઓથી સાવધાન, અજાણી ચીજ વસ્તુઓને અડકવું નહીં વિગેરે સૂચના આપતાં બોર્ડ લગાવીને નાગરિકોની સુરક્ષા બાબતનો સંતોષ માણી લે છે. શહેરના મુખ્ય બગીચાઓમાં માટી સંખ્યામાં ચોમાસા પહેલાં કીમતી પ્લાન્ટસ મુકાયેલા હોય છે. ઉપરાંત ટી ગાર્ડ, પાણીની પાઇપ, સહિતની ચીજવસ્તુઓ પડી રહેતી હોય છે. એક બગીચામાં બે સિક્યોરિટી ગાર્ડ હોય છે એક મુખ્ય દરવાજે બીજા અન્ય પાછળના દરવાજે કે બગીચામાં ફરીને દેખરેખ રાખે છે. કયારેક એક ગાર્ડ રજા પર હોય તો માત્ર એકથી કામ ચલાવાય છે. આવા સંજોગોમાં કોઇપણ ગંભીર ઘટનામાં નાગરિકોની સુરક્ષા કેટલી?

આ અંગે અમદાવાદ મ્યુનિસિપલના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે જણાવ્યું હતું કે બગીચાઓમાં સીસીટીવી મૂકવા અંગેની કોઇ ડિમાન્ડ કે દરખાસ્ત અમારા પાસે અત્યાર સુધી આવી નથી કે બજેટમાં તેની જોગવાઇ નથી.

શહેરમાં સ્માર્ટ સિટી અંર્તગત ૭૦૦૦ સીસીટીવી કેમેરા લાગશે ત્યારે પોલીસ વિભાગ સાથે સંકલન કરીને જરૂર પડે બગીચાઓના સીસીટીવી મૂકવામાં આવશે.

You might also like