શહેર ક્રાઈમ બ્રીફઃ ક્યાંક ચોરી, ક્યાંક પત્નીનો આપઘાત,ક્યાંક રોકડ રકમ સાથે ઝડપાયો ઈસમ

ગોડાઉનમાં તસ્કરો ત્રાટક્યાઃ રૂ.૬ લાખના પિતળના ભંગારની ચોરી
ઓઢવ વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં તસ્કરોએ ત્રાટકી આશરે રૂ.૬ લાખની મતાની ચોરી કરતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઓઢવમાં અંબિકાનગર નજીક ફાયરબ્રિગેડની ગલીમાં ગુરુ રાજેન્દ્ર એસ્ટેટની એક દુકાન અને ચારભૂજા મેટલ નામના ગોડાઉનમાં રાત્રી દરમ્યાન તસ્કરોએ ત્રાટકી ૧૧૦૦ કિલો તાંબાનો ભંગાર અને ૭૦૦ કિલો પિતળ અને બ્રાસનો ભંગાર મળી કુલ આશરે રૂ.૬ લાખની માલમતાની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા. ઓઢવ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહીહ હાથ ધરી છે.

બહેરામપુરાના યુવાનનો સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત
બહેરામપુરામાં રહેતા એક યુવાને સાબરમતી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવી નાખતાં પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે બહેરામપુરા વિસ્તારમાં લાલ બહાદુર શાસ્ત્રીનગર ખાતે રહેતા દીપક નાથુભાઇ વાઘેલા નામના ર૦ વર્ષીય યુવાને જમાલપુરબ્રિજ નીચે વોક-વે પાસે સાબરમતી નદીમાં પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ લાશને બહાર કાઢી પી.એમ. માટે મોકલી આપી હતી. આપઘાત કરવા પાછળનું કોઇ કારણ જાણવા મળ્યું નથી.

નારણપુરામાં મકાનનાં તાળાં તોડી ઘરેણાં અને રોકડ રકમની ચોરી
નારણપુરા વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, નારણપુરા વિસ્તારમાં અંકુર રોડ પર આવેલી શંકર સોસાયટીના ૩૪ નંબરના બંગલાને તસ્કરોએ ટાર્ગેટ બનાવી બંગલાના દરવાજાના તાળાં તોડી પૂજાના રૂમમાંથી ચાંદીની માટલી, સોનાની બંગડીઓ અને રોકડ રકમ મળી આશરે રૂપિયા ૧.૧૦ લાખની ચોરી કરતા આ અંગે નારણપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.

ચેકપોસ્ટ પરથી રૂ. પ.૩૪ લાખની રકમ સાથે અમદાવાદનો યુવાન ઝડપાયો
આગામી વિધાનસભાની ચૂંટણી દરમ્યાન બે નંબરના નાણાંની હેરફેર અટકાવવાના હેતુસર રાજ્યભરની પોલીસે જુદા જુદા વિસ્તારોમાં ચેકપોસ્ટ ઊભી કરી સઘન વાહનચેકિંગ શરૂ કર્યું છે. બાયડ નજીક ચેકપોસ્ટ પર વાહનચ‌ેકિંગ દરમ્યાન રૂ.પ.૩૪ લાખની રોકડ રકમ સાથે પોલીસે અમદાવાદના મણીનગર વિસ્તારમાં રહેતા એક શખસને ઝડપી લીધો હતો.અરવલ્લી અને ખેડા જિલ્લાના સરહદી ગામડાંઓમાં પ્રવેશતા મુખ્ય રસ્તા પર ચેકપોસ્ટો ઊભી કરાઇ છે.

પોલીસે બાયડના ધોરીડુંગરી નજીક ચેકપોસ્ટ પર વાહનચેકિંગ શરૂ કર્યું હતું. દરમ્યાનમાં અમદાવાદમાં મણીનગર વિસ્તારમાં રહેતા કિરણભાઇ માધવલાલ શાહ કાર લઇ નીકળતા પોલીસે તેને રોકી તપાસ કરતા કારમાંથી પ.૩૪ લાખની રોકડ મળી આવી હતી. આ રકમ અંગે કોઇ આધાર પુરાવા રજૂ ન કરી શકતા રકમ જમા કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પતિના ત્રાસથી કંટાળેલી મહિલાએ માસૂમ પુત્ર સાથે કૂવામાં ઝંપલાવ્યું
ઠાસરા તાલુકાના રાણીપોરડા નજીક આવેલા જસુના મુવાડ ખાતે રહેતી એક મહિલાએ પતિના અસહ્ય ત્રાસથી કંટાળી પોતાના ચાર વર્ષના માસૂમ પુત્ર સાથે કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરતા આ ઘટનાએ ચકચાર જગાવી છે.

આ અંગેની વિગત એવી છે કે, ઠાસરા તાલુકાના રાણીપોરડા નજીક આવેલા જસુના મુવાડા ખાતે રહેતી અમૃતાબહેનને તેનો પતિ કિરીટભાઇ રાઠોડ નવારનવર માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. ખેતમજૂરી કરી ગુજરાન ચલાવી અમૃતાબહેન પતિના ત્રાસથી કંટાળી ગઇ હતી. આમ ત્રાસી ગયેલી આ મહિલાએ પોતાના ચાર વર્ષના પુત્ર સાથે સાંજના સમયે પોતાના ઘરેથી નીકળી ઓજરાળા ગામની સીમમાં આવેલા કૂવામાં ઝંપલાવ્યું હતું. ફાયરબ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ બંને લાશોને બહાર કાઢી પીએમ માટે મોકલી આપી હતી. ઠાસરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

You might also like