શહેર ક્રાઈમ બ્રીફઃ 2ના મોત, 135 લોકોની પોલીસે કરી અટકાયત

નિકોલમાં દાઝી જતાં યુવતીનું મોત
નિકોલ વિસ્તારમાં રહેતી એક યુવતીનું અકસ્માતે દાઝી જવાથી મોત થયું હતું. નિકોલમાં ચીનુભાઇનગર ખાતે આવેલ સોમાજીની વાડીમાં રહેતી પાર્વતીબેન માલારામ મેણા નામની યુવતીનું પ્રાયમસ પર ચા બનાવતી વખતે ગંભીરપણે દાઝી જતા સારવાર દરમ્યાન મોત થયું હતું.

છોટા હાથીની અડફેટે આવી જતાં એકનું મોત
નોબલનગર ત્રણ રસ્તા નજીક છોટા હાથીની અડફેટે આવી જતા એક યુવાનનું મોત થયું હતું. કુબેરનગર ખાતે રહેતા સંજય સોલંકી નામનો યુવાન બાઇક પર
નોબલનગર ત્રણ રસ્તા પાસેથી પસાર થતો હતો ત્યારે છોટાહાથીએ બાઇકને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં આ યુવાનનું મોત થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

કારમાંથી રૂ.પ૬ હજારની મતાની તફડંચી
નવરંગપુરા વિસ્તારમાં આશ્રમરોડ પર પાર્ક કરેલી કારમાંથી રૂ.પ૬ હજારની મતાની તફડંચી થઇ હતી. નવરંગપુરામાં આશ્રમરોડ પર નાનાલાલ ચેમ્બર પાસે કાર પાર્ક કરી ડ્રાઇવર કારમાં સૂતા હતા તે દરમ્યાન કોઇ ગઠિયો તેની નજર ચૂકવી રૂ.પ૦ હજારની રકમની ઘડીયાળ સહિત પ૬ હજારની મતા ભરેલી બેગ તફડાવી ફરાર થઇ ગયો હતો.

દારૂ-જુગારના અડ્ડા પર ઠેર ઠેર દરોડા
શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે ઠેર ઠેર દરોડા પાડી ૧૮૮ લિટર દેશી દારૂ, ૧૮૩ બોટલ વિદેશી દારૂ, ૩ર બિયરના ટીન, એક રિક્ષા, એક બાઇક રૂ.૧૭ હજારની રકમ અને જુગારના સાધનો કબજે કરી ૪૯ ઇસમની ધરપકડ કરી હતી.

તકેદારીનાં પગલાંરૂપે ૧૩પની અટકાયત
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસે તકેદારીના પગલાંરૂપે જુદા જુદા વિસ્તારમાંથી ૧૩પ ઇસમોની અટકાયત કરી લોકઅપભેગાં કરી દઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

You might also like