શહેર ક્રાઈમ બ્રીફઃ ક્યાંક ચેઈન સ્નેચિંગ તો ક્યાંક ઘરફોડ ચોરી

અમદાવાદ, ગુરુવાર
વધુ ત્રણ મહિલાઓએ સોનાનાં દોરા ગુમાવ્યા
શહેરનાં જુદા જુદા વિસ્તારમાં ચેઇન સ્નેચિંગના વધુ ત્રણ બનાવ બનતા પોલીસે ગુુના દાખલ કર્યા છે. આ અંગેની વિગત એવી છે કે, શાહીબાગ વિસ્તારમાં ગીરધરનગર બ્રિજ પાસેથી પ્રીતિબહેન ચૈતન્યભાઇ ભટ્ટ નામની મહિલા તેમના પતિ સાથે એક્ટિવા પર બેસી પસાર થતી હતી ત્યારે બાઇક પર આવેલા બે ગઠિયા તેના ગળામાંથી રૂ.૩૦ હજારની કિંમતનો સોનાનો દોરો તોડી ફરાર થઇ ગયા હતા. જ્યારે દાણીલીમડામાં લક્ષ્મીકુંજ સોસાયટી પાસે ઊભેલા સુશિલાબહેન જયંતીલાલ પરમાર નામની મહિલાના ગળામાંથી પણ સોનાનાં દોરાની ચીલઝડપ થઇ હતી. આ ઉપરાંત સેટેલાઇટમાં પણ માણેકબાગ પાસે સોનલબહેન મહેશભાઇ પાટડિયાના ગળામાંથી સોનાનો દોરો તોડી ગઠિયા બાઇક પર ફરાર થઇ ગયા હતા.

વટવા અને જમાલપુરમાં ચાર લાખની મતાની ચોરી
વટવા અને જમાલપુર વિસ્તારમાં ઘરફોડ ચોરીનાં બે બનાવ બનતા પોલીસે ગુના દાખલ કર્યા છે. વટવા વિસ્તારમાં ઘોડાસર ખાતે જીવીબા સ્કૂલ પાસે આવેલ શિવાલય એપાર્ટમેન્ટના એક મકાનનાં તસ્કરોએ તાળાં તોડી તિજોરીમાંથી સોનાના સેટ, માળા, ચાર ચેઇન, બે બંગડીઓ નાની મોટી ર૦ વીંટીઓ, ડોકિયું, ચાંદીના સિક્કા, સાંકળા, ઝાંઝર મળી કુલ રૂ.૩.૬૦ હજારની કિંમતના ઘરેણાની ચોરી કરતા પોલીસે ડોગ સ્કવોડની મદદથી ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત જમાલપુર વિસ્તારમાં એક સિંધીવાડ નજીક આવેલી એક દુકાનમાંથી રૂ.પપ હજારની રોકડ રકમની કોઇ જાણભેદુએ ચોરી કરતાં ગાયકવાડ હવેેલી પોલીસે આ અંગે ગુુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

દેશી-વિદેશી દારૂનો જથ્થો કબજેઃ પ૭ શખસની ધરપકડ
શહેરનાં જુદા જુદા વિસ્તારમાં ચાલતાં દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે ઠેરઠેર દરોડા પાડી ૩૪૮ લિટર દેશી દારૂ, ૧પપ વિદેશી દારૂની બોટલ, ૪પ બિયરના ટીન, ત્રણ સ્કૂટર, એક રિક્ષા રૂ.૩૦ હજારની રોકડ રકમ અને જુગારના સાધનો કબજે કરી પ૭ શખસોની ધરપકડ કરી આ અંગે ગુના દાખલ કર્યા હતા. જ્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુથી પોલીસે તકેદારીનાં પગલાંરૂપે જુદા જુદા વિસ્તારમાંથી ૧૪૪ ઇસમની અટકાયત કરી હતી.

You might also like