શહેર ક્રાઈમ બ્રીફઃ રોડ પરથી ટ્રકની ઉઠાંતરી તો ક્યાંક ચેન સ્નેચિંગ

અમદાવાદ, સોમવાર
સરખેજ-ચાંગોદર રોડ પરથી ટ્રકની ઉઠાંતરી
સરખેજ-ચાંગોદર રોડ પરથી એક ટ્રકની ઉઠાંતરી થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. સરખેજ ચાંગોદર રોડ પર ભારત પેટ્રોલપંપની પાછળ એકતા હોટલ પાસે પાર્ક કરેલી રૂ.૯ લાખની કિંમતની એક ટ્રકની તસ્કર ટોળકીએ ઉઠાંતરી કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

દારૂ પીધેલી હાલતમાં ર૧ ઇસમ ઝડપાયા
શહેર પોલીસે નશાબંધીના કાયદાના ભંગ બદલ ર૧ શખસોની ધરપકડ કરી લોકઅપ ભેગાં કરી દીધા છે. દારૂના નશામાં ચકચૂર બની જાહેર રોડ પર ધાંધલ-ધમાલ મચાવતા ર૧ દારૂડિયાને પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી ઝડપી લઇ આ અંગે નશાબંધી ભંગના ગુના દાખલ કર્યા છે.

સાબરમતીમાં ચેનપુર નજીક ચેન સ્નેચિંગ
સાબરમતી વિસ્તારમાં ચેનપુર નજીક ચેન સ્નેચિંગનો બનાવ બનતા પોલીસે ગુુનો દાખલ કર્યો છે. સાબરમતીમાં ચેનપુર રોડ પર શ્રીજી બંગલોઝ પાસેથી પસાર થઇ રહેલ પ્રગતીબહેન પટેલના ગળામાંથી બાઇક પર આવેલા બે ગઠિયા રૂ.રપ હજારની કિંમતનો સોનાનો દોરો તોડી ફરાર થઇ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

દારૂ-જુગારના અડ્ડા પર ઠેરઠેર દરોડા
શહેરનાં જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ-જુગારનાં અડ્ડા પર પોલીસે ઠેરઠેર દરોડા પાડી ૪૭પ લિટર દેશી દારૂ, ર૦પ બોટલ વિદેશી દારૂ, ૬૬ બિયરના ટીન, બે કાર, એક બાઇક, ચાર સ્કૂટર રૂ.૬૦ હજારની રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૧૦૪ શખસની ધરપકડ કરી આ અંગે ગુના દાખલ કર્યા છે.

તકેદારીરૂપે રપપ ઇસમની અટકાયત
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુથી શહેર પોલીસે તકેદારીનાં પગલાંરૂપે જુદા જુદા વિસ્તારમાંથી રપપ ઇસમની અને બે શખસોની પાસા હેઠળ ધરપકડ કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

You might also like