શહેર ક્રાઈમ બીફઃ શહેરમાં ક્યાંક ઘરફોડ ચોરી, તો ક્યાંક ચોરો આખી બસ-રિક્ષા ઉઠાવી ગયા

ઇસનપુરમાં સોનાની કંઠીની તફડંચી
ઇસનપુર વિસ્તારમાં સોનાની કંઠીની તફડંચીનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કરેલ છે. ઇસનપુરમાં ઘોડાસર બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઇ રહેલી પુષ્પાબહેન કંસારાના ગળામાંથી રૂ.૩૦ હજારની સોનાની કંઠી તોડી ગઠિયા ફરાર થઇ ગયા હતા.

ખોખરા-ચાંદખેડામાંથી બે રિક્ષાની ઉઠાંતરી
ખોખરા અને ચાંદખેડામાંથી બે રિક્ષાની ઉઠાંતરી થતા પોલીસે તપાસ હાથ ધરી છે. ખોખરામાં ભાઇપુરા ચાર રસ્તા પાસે હાટકેશ્વર નજીકથી એક રિક્ષાની અને ચાંદખેડામાં પાણીની ટાંકી નજીક ગણેશનગર ખાતેથી એક રિક્ષાની તસ્કરોએ ઉઠાંતરી કરી હતી.

નરોડા, સરખેજ અને વાસણામાંથી રૂપિયા છ લાખની માલમતાની ચોરી
શહેરનાં નરોડા, સરખેજ અને વાસણા વિસ્તારને તસ્કરોએ ટાર્ગેટ બનાવી આશરે રૂ.૬ લાખની માલમતાની ચોરી કરી હતી. આ અંગેની વિગત એવી છે કે નરોડામાં નાના ચિલોડા ખાતે આવેલ કાનન રેસિડન્સીના એક મકાનમાંથી રૂ.ર.૬૦ના ઘરેણાં અને એક પાર્લરમાંથી રૂ.રપ હજારની ચોરી કરી હતી. સરખેજમાં એસ.પી. રિંગ રોડ પર આમલી ગામ નજીક આવેલ એક પેટ્રોલ પંપ ખાતેથી યુનુસમિયાં અને વિપુલ નામના શખસોએ ર૦ હજાર લિટર પેટ્રોલ અને બે હજાર લિટર ડિઝલ અને એક બાઇક મળી રૂ.૧.૩૬ લાખની મતાની ચોરી કરતા પોલીસે ગુનો દાખલ કરેલ છે. આ ઉપરાંત વાસણા વિસ્તારમાં શ્રેયસ ક્રોસિંગ પાસે આવેલ આયોજન નગરના એક બંગલામાંથી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ મળી રૂ.૧.૪ લાખની મતાની ચોરી થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.

રૂ.૧ર લાખની લકઝરી બસની ઉઠાંતરી કરનાર શખસ બસ સાથે ઝડપાયો
નરોડા વિસ્તારમાંથી ૧૮ દિવસ અગાઉ રૂ.૧ર લાખની લકઝરી બસની ઉઠાંતરી કરનાર શખસને ક્રાઇમ બ્રાંચે બસ સાથે આબાદ ઝડપી લીધો હતો. નરોડા વિસ્તારમાં પદ્માવતી કોમ્પલેકસ નજીક આવેલા દવાખાના પાસે પાર્ક કરેલી રૂ.૧ર લાખની કિંમતની લકઝરી બસની ગઇ તા.૧-૧ર-૧૭ના રોજ કોઇ શખસે ઉઠાંતરી કરી હતી. ક્રાઇમબ્રાંચે સઘન તપાસ શરૂ કરી બાતમીના આધારે ચાંદખેડા રોડ પરથી આરોપી વિમલ અમૃતલાલ ગજ્જરને લકઝરી બસ સાથે આબાદ ઝડપી લીધો હતો. આ શખસ અગાઉ ટ્રાવેલ્સ કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.

દારૂ-જુગારના અડ્ડા પર ઠેરઠેર દરોડા
શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ર૮પ લિટર દેશી દારૂ, ૬૦૭ બોટલ વિદેશી દારૂ, ર૪૦ બિયરના ટીન, બે કાર, બે એક્ટિવા, એક બાઇક રૂ.૧.પપ લાખની રકમ અને જુગારના સાધનો કબજે કરી ૧૦૩ શખસની ધરપકડ કરી ગુના દાખલ કર્યા હતા.

રાયોટિંગના ગુનાનો આરોપી ઝડપાયો
રાયોટિંગના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા કેટલાક વખતથી નાસતા ફરતા આરોપી શબીર શેખને પોલીસે રાયખડ વિસ્તારમાં રિવરફ્રન્ટ નજીકથી ઝડપી લઇ જડતી કરતા આ શખસ પાસેથી દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો. આ શખસ શાહપુર દરવાજા બહાર રહેતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like