શહેર ક્રાઈમ બીફઃ જુહાપુરામાં ચોરો ત્રાટક્યાં તો ઈન્દ્રોડાથી બુટલેગર ઝડપાયો

બીજા માળેથી પટકાતા વૃદ્ધનું મોત
નારોલ વિસ્તારમાં બિલ્ડિંગના બીજા માળેથી પટકાતા એક વૃદ્ધનું મોત થયું હતું. નારોલમાં કર્ણાવતી-૧ની સામે નવા બનતા બિલ્ડિંગ ખાતે લિફટની ખાલી જગ્યામાં બીજા માળેથી પટકાતા દેવજીભાઇ પુંજાભાઇ નામના વૃદ્ધનું મોત થતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

જુહાપુરાની સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યાં
જુહાપુરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં તસ્કરોએ ત્રાટકી સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી હતી. જુહાપુરામાં મેમણ હોલ પાસે આવેલ રોયલ પાર્ક સોસાયટીના એક મકાનના તાળાં તોડી તસ્કરોએ ઘરેણાં અને રોકડ રકમ મળી આશરે રૂ.૬૭ હજારની મતાની ચોરી કરતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

દેશી-વિદેશી દારૂનો જથ્થો કબજે
શહેરનાં જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૧૪૧ લિટર દેશી દારૂ, ૧૭૭ બોટલ વિદેશી દારૂ, ૩ર બિયરના ટીન, બે રિક્ષા, રૂ.૧૮ હજારની રકમ અને જુગારના સાધનો કબજે કરી ૩૩ શખસની ધરપકડ કરી આ અંગે ગુના દાખલ કર્યા છે.

તકેદારીના પગલાંરૂપે ૧૦૯ ઇસમની અટકાયત
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર શહેર પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી તકેદારીનાં પગલાંરૂપે ૧૦૯ ઇસમની અટકાયત કરી લોકઅપ ભેગાં કરી દીધા છે. આ ઉપરાંત નશાબંધીના કાયદાનો ભંગ કરી દારૂના નશામાં છાકટા બની જાહેર રોડ પર ધાંધલ-ધમાલ કરતા ત્રણ શખસોને પોલીસે ઝડપી લીધા હતા.

નાસતો-ફરતો બુટલેગર ઝડપાયો
ઇન્દ્રોડા સર્કલ પાસે થોડા સમય પહેલાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો મુખ્ય સુત્રધારને ગાંધીનગર એલસીબી પોલીસે ઇન્દ્રોડા નજીકથી જ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like