ક્રાઈમ બ્રીફઃ ક્યાંક વાહનોની ચોરી તો ક્યાંક દારૂના અડ્ડા પર દરોડા

પ્રાયમસ ફાટતાં દાઝી જવાથી યુવતીનું મોત 
સરદારનગરમાં પ્રાયમસ ફાટતાં દાઝી જવાના કારણે એક યુવતીનું મોત થયું હતું. સરદારનગરમાં કુબેરનગર ખાતે આવેલા સંતોષીનગરમાં રહેતી અનુષ્કા રમેશભાઇ મારવાડી નામની યુવતી પ્રાયમસ પર ચા બનાવતી વખતે પ્રાયમસ ફાટતાં ગંભીર ઇજા થવાના કારણે તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું.

ઓઢવ-નિકોલમાંથી બે બોલેરોની ઉઠાંતરી
ઓઢવ-નિકોલ વિસ્તારમાંથી બે બોલેરો ગાડીની તસ્કરોએ ઉઠાંતરી કરતા પોલીસે ગુના દાખલ કર્યા છે. ઓઢવમાં તક્ષશિલા સ્કૂલ નજીક સિલ્વર સિટી પાસે પાર્ક કરેલ એક બોલેરો ગાડીની અને નિકોલમાં શ્રીહરિ કોમ્પલેકસ પાસેથી એક બોલેરો ગાડીની વાહનચોર ટોળકીએ ઉઠાંતરી કરી હતી.

સોનાની ચેન તફડાવી ગઠિયા ફરાર
વસ્ત્રાપુર વિસ્તારમાં સોનાના દોરાની ચિલઝડપનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. વસ્ત્રાપુરમાં પ્રકાશ સોસાયટી નજીકથી પસાર થઇ રહેલ ચંચળબહેન પ્રકાશભાઇ નામની મહિલાના ગળામાંથી બાઇક પર આવેલ ગઠિયાએ સોનાના દોરાની ચિલઝડપ કરી ફરાર થઇ ગયા હતા.

દારૂ-જુગારના અડ્ડા પર ઠેર ઠેર દરોડા
શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે ઠેર ઠેર દરોડા પાડી ર૯ર લિટર દેશી દારૂ, ૩પર બોટલ વિદેશી દારૂ, ૩પ બિયરના ટીન, બે કાર, એક સ્કૂટર, એક બાઇક રૂ.ર૩ હજારની રકમ અને જુગારના સાધનો કબજે કરી પ૦ શખસની ધરપકડ કરી હતી.

અગમચેતીરૂપે ૧૧પ ઇસમની અટકાયત
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુથી પોલીસે તકેદારીના પગલાંરૂપે જુદા જુદા વિસ્તારોમાંથી ૧૧પ ઇસમોની અટકાયત કરી લોકઅપ ભેગાં કરી દીધા છે. આ ઉપરાંત નશાબંધીના ભંગ બદલ ચાર દારૂડિયાને ઝડપી લીધા હતા.

You might also like