કાબુલી ચણાએ રૂપિયા ૧૦૦ની સપાટી ક્રોસ કરી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી ચણામાં લાલચોળ તેજી જોવા મળી રહી છે. વાયદા બજારમાં જોવા મળેલા સુધારાની અશરે હાજર બજારમાં પણ તેની અસર જોવા મળી છે.  છેલ્લા બે સપ્તાહમાં સ્થાનિક બજારમાં ચણાના ભાવમાં છૂટકમાં ૧૦ થી ર૦ રૂપિયા જેટલો વધારો થઇ ચૂક્યો છે. હાલ ચણા છૂટક બજારમાં પ્રતિ કિલોએ ૭૦ થી ૮૦ની સપાટીએ પહોંચી ગયા છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ચણાના વાયદા બજારમાં ગરમાવો છે. એટલું જ નહીં સ્ટોકિસ્ટોનાં ઊંચાં હોલ્ડિંગને કારણે હાજર બજારમાં પણ તેની અસર જોવા મળી છે.  ચણાના ભાવ હજુ વધે તેવી શક્યતાઓ પાછળ સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેેવાલી પાછળ ચણાના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે.

દરમિયાન ચણામાં આવેલી તેેની પાછળ કાબૂલી ચણાના ભાવમાં પણ ઉછાળો નોંધાયો છે. સ્થાનિક બજારમાં કાબૂલી ચણા પ્રતિ કિલોએ સેન્ચૂરી વઘધટ ૧૧૦ થી ૧ર૦ની સપાટીએ ભાવ જોવા મળી રહ્યા છે. ચણાના વધતા ભાવ ઉપર અંકુશ લાદવા ખરીદીના સોદા ઉપર પાંચ ટકા સ્પેશિયલ અને પાંચ ટકા વધારાનું માર્જિન લગાવ્યું છે.

પાછલા બે વર્ષથી દેશના મોટા ભાગના રાજ્યોમાં અપૂરતા વરસાદના કારણે ચણાના પાકને પણ અસર થવા પામી હતી. પાછલા વર્ષના સ્ટોકના અભાવ વચ્ચે તથા સ્ટોકિસ્ટોની લેવાલી પાછળ ચણાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. પાછલા વર્ષે ૪૦ થી પ૦ રૂપિયા પ્રતિકિલોની સપાટીએ વેચાતા ચણા હાલમાં રૂ.૭૦ થી ૮૦ની સપાટીએ જોવા મળી રહ્યા છે.

You might also like