નવરંગપુરામાં કારના દરવાજાનો કાચ તોડી રૂ.૧ લાખની તફડંચી

અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં રૂ. એક લાખની તફડંચીનો અને સોલામાં ઘરફોડ ચોરીનો બનાવ બનતાં પોલીસે અા અંગે ગુના દાખલ કરી તપાસ શરૂ કરી છે.  અા અંગેની વિગત એવી છે કે અમરાઈવાડી વિસ્તારમાં ધનકોર ભુવન ખાતે રહેતા હેમંત ઈન્દ્રજિતસિંહ ગિલે તેમની કાર સાંજના સાત વાગ્યાના સુમારે નવરંગપુરા વિસ્તારમાં જીએલએસ કોલેજની ગલીમાં એક રેસ્ટોરાં પાસે પાર્ક કરી હતી તે દરમિયાન કોઈ ગઠિયાએ કારના દરવાજાનો કાચ તોડી કારમાંથી લેપટોપ અને રૂ. એક લાખની રોકડ રકમની તફડંચી કરતા અા અંગે પોલીસ ફરિયાદ કરવામાં અાવી છે. જ્યારે સોલામાં ચાણક્યપુરી ખાતે અાવેલ ચામુંડાનગર સેક્ટર ૪ના એક મકાનનાં તાળાં તોડી તસ્કરોએ તિજોરીમાંથી અાશરે રૂ. ૪૦ હજારની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.  અા ઉપરાંત શહેરના વટવા વિસ્તારમાં જશોદાનગર ચોકડી પાસેથી એક રિક્ષાની ઉઠાંતરી થઈ હતી.

You might also like