અમદાવાદ-બોટાદ હાઈવે પર વીછિયા પાસે કપાસ ભરેલી ટ્રકમાં અાગ લાગતાં ભયનો માહોલ

અમદાવાદ: અમદાવાદ-બોટાદ હાઈવે પર વીછિયા પાસે કપાસ ભરેલ ટ્રકમાં અચાનક જ અાગ લાગતાં ભયનો માહોલ સર્જાયો હતો, જોકે ડ્રાઈવર સમયસૂચકતા વાપરી ટ્રકને એક કિલોમીટર દૂર લઈ જતાં મોટી દુર્ઘટના ટળી હતી.
અા અંગેની વિગત એવી છે કે અમદાવાદ-બોટાદ હાઈવે પર વીછિયા નજીકથી પસાર થઈ રહેલ કપાસ ભરેલ એક ટ્રક વીજવાયરને અડી જતાં અાગ લાગી હતી. ટ્રકમાં ગીચોગીચ કપાસ ભરેલો હોઇ જોતજોતામાં જ અાગે વિકરાળ સ્વરૂપ લીધું હતું. અાગની વિકરાળતા જોઈ અાજુબાજુના લોકો રોડ પર દોડી અાવ્યા હતા અને ભયની લાગણી પ્રસરી હતી.
જોકે ટ્રકચાલક સમયસૂચકતા વાપરી હિંમત સાથે સળગતી ટ્રકને એક કિલોમીટર દૂર લઈ ગયો હતો અને ટ્રકને રોડની એક તરફ પાર્ક કરી ડ્રાઈવર અને ક્લીનર ટ્રકમાંથી કૂદી જતાં બંનેનો અાબાદ બચાવ થયો હતો.

અા ઘટનાના પગલે રોડ ઉપર લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. ફાયર બ્રિગેડની વ્યવસ્થા ન હોવાના કારણે લોકોએ જ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ અાગને કાબૂમાં લીધી હતી. અાગમાં અા ટ્રક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસે અા અંગે અાગળની કાર્યવાહી હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like