બોપલના સિદ્ધિ એપાર્ટમેન્ટમાં ભર બપોરે રૂ.૪.૧૩ લાખની ચોરી

અમદાવાદ: શહેરના છેવાડે આવેલા બોપલ વિસ્તારને ફરી એકવાર તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યો છે. બોપલમાં આવેલા સિદ્ધિ એપાર્ટમેન્ટના એક બંધ મકાનમાં ભરબપોરે તસ્કરોએ ત્રાટકી રૂ.૪.૧૩ લાખની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તસ્કરો માત્ર બે કલાકમાં જ લાખોની મતાની ચોરી કરી જતાં બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બોપલ ચાર રસ્તા પાસે આવેલાં સિદ્ધિ એપાર્ટમેન્ટમાં અંકુરભાઇ ઘનશ્યામભાઇ ઠક્કર (ઉ.વ. ૪૭) તેમનાં પત્ની, પુત્ર અને પુત્રી સાથે રહે છે. અંકુરભાઇ વીરમગામ ખાતે વાયરિંગનું કારખાનું ધરાવે છે. રવિવારે અંકુરભાઇ તેમના કારખાને ગયા હતા અને બપોરના સમયે તેઓનાં પત્ની અને બાળકો સગાંને ત્યાં બપોરનું જમવાનું હોવાથી બે વાગ્યાની આસપાસ જમવા ગયા હતા.

દરમિયાનમાં તેમનાં બંધ મકાનમાં તસ્કરોએ મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂ.૧૩૦૦૦ મળી કુલ ૪.૧૩ લાખની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સાંજે ચારેક વાગ્યે તેમનાં પત્ની અને બાળકો ઘરે આવ્યાં ત્યારે ઘરમાં ચોરી થઇ હોવાની જાણ થઇ હતી.

આ અંગે બોપલ પોલીસને જાણ કરાતાં પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગઇ હતી. બોપલ પોલીસ સ્ટેશનના પી.આઇ. એમ.એમ. ગાંગુલીએ જણાવ્યું હતું કે હાલમાં ગુનો નોંધી આસપાસનાં સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ફલેટની અંદર કોઇ સિક્યોરિટી હતી નહીં.

You might also like