અમદાવાદ-ભાવનગર રોડ પર તવેરા અને અાઈશર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત

અમદાવાદ: અમદાવાદ ભાવનગર શોર્ટકટ રોડ ઉપર ભીડભડ ગામ પાસે અાજે વહેલી સવારે તવેરા કાર અને અાઈશર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે મહિલા સહિત પાંચ વ્યક્તિનાં ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં જ્યારે બે બાળકોને ગંભીરપણે ઈજા પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે ભાવનગરના ફુલસર વિસ્તારમાં રહેતા ભરવાડ પરિવારના સભ્યો તવેરા કારમાં મુંબઈના પનવેલ ખાતે તેમના સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગે ગયા હતા. લગ્ન પ્રસંગ પતાવી અા પરિવારના સભ્યો ભાવનગર પરત અાવી રહ્યા હત્યા ત્યારે અાજે વહેલી સવારે સાત વાગ્યાના સુમારે અમદાવાદ-ભાવનગર શોર્ટકટ રોડ ઉપર અાવેલા ભીડભડ ગામના પાટિયા પાસે ભાવનગરથી અમદાવાદ જઈ રહેલી એક અાઈશર ટ્રક સાથે તવેરા કાર જોરદાર ધડાકા સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ભોળુભાઈ ભોપાભાઈ ગલાણી, લખુબહેન ભોપાભાઈ ગલાણી, ભગાભાઈ ભોપુભાઈ ગલાણી, જસુબહેન અને ડ્રાઈવર લખાભાઈ મેરાભાઈ એમ પાંચ વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં જ્યારે ચાર અને ત્રણ વર્ષની વયના બે બાળકોને ગંભીર ઈજાઓ પહોંચતા ભાવનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યાં છે. જ્યાં બંનેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે.

અા ઉપરાંત નેશનલ હાઈવે ૮ પર વાઘોડિયા ચોકડી પાસે એક બોલેરો જીપને અકસ્માત નડ્યા બાદ તેમની મદદે અાવેલા સ્વજનોની કારે પણ એક બાઈક અને અન્ય એક કારને અડફેટે લેતાં સર્જાયેલા અકસ્માતમાં વિજય ભરવાડ, લક્ષ્મણ ભરવાડ સહિત ત્રણના મોત થયા હતા જ્યારે ૧૧ વ્યક્તિઓને ઈજા થઈ હતી.

You might also like