એપાર્ટમેન્ટમાં ત્રણ અને સાત વર્ષની બહેનો લોક થઈ ગઈ !

અમદાવાદ: અમદાવાદ શહેરમાં આવેલા રિવરસાઈડ પાર્કમાં શુક્રવારની રાતના સમયે બે બાળકીઓ ઘરમાં લોક થઈ ગઈ હતી. બાળકીઓની બૂમોનો અવાજ સાંભળતાંની સાથે પડોશીઓ ભેગા થઈ ગયા હતા. પડોશી લોકોએ અમદાવાદ ફાયર બ્રિગેડને બોલાવીને બંને બાળકીને ઘરમાંથી રેસ્ક્યુ કરવામાં આવી હતી.

અમદાવાદ શહેરમાં વાસણા વિસ્તારમાં આવેલા રિવરસાઈડ પાર્કમાં ગત દિવસે રાતના સમયે બે સગી બહેનો ઘરમાં લોક થઈ ગઈ હતી. વસુ સિંહ (ઉ. વ: 3) અને ત્રિશા સિંહ (ઉ.વ 7) બંને બહેનો ઘરમાં લોક થઈ જતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી બાળકોઓને રેસ્ક્યુ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ , બાળકીના પિતા કામથી અમદાવાદથી બહાર ગયા હતા જ્યારે તેની માતા પડોશીનાં ત્યાં ગઈ હતી. જ્યારે મોટી દીકરી ત્રિશા ઘરની ગેલેરીમાં રમતી હતી અને ગેલેરીનો દરવાજો લોક થઈ જતાં તે ત્યાં ફસાઈ ગઇ હતી. ગેલેરીનો દરવાજો લોક થઈ જતાં ત્રિશા બૂમો પડવા લાગી તેની બૂમો સાંભળતાની સાથે ત્રિશાની માતા ઘર પર પહોંચી પરંતુ ઘરનો દરવાજો ઓટોમેટિક હોવાથી લોક થઈ ગયો હતો અને ધ્યાને આવ્યું કે ઘરની ચાવી પણ અંદર પડી છે.

બંને બહેનો અંદર એકલી હોવાના કારણે ડરી જતાં બૂમો પડવા લાગી જેથી ફ્લેટમાં રહેતા રહીશોએ એકત્ર થઈ ગયા અને અમદાવાદ ફાયર બ્રિગેડમાં ફોન કરી ઘટનાની જાણ કરી હતી. ફાયરની ટીમે પડોશમાં રહેતા રહીશોનાં ઘરેથી છલાંગ મારીને ત્રિશા જે ગેલેરીમાં બંધ હતી ત્યાં પહોંચી . ગેલેરી લોક થઈ જતાં બાળકી ડરી ગઈ હતી જ્યારે તેની નાની બહેન વસુ ઘરની અંદર હતી. ફાયરની ટીમ દ્વારા ગેલેરીમાં લગાવવામાં આવેલો કાચ તોડી ફાયરની ટીમ અંદર પહોચી ગઈ હતી અને દરવાજો ખોલ્યો હતો.

આ અંગે ઘટના સ્થળે હાજર ફાયરમેન મિતેશ પટેલનું કહેવું છે કે, વસુ નાની હોવાથી તે ઘરનો કે ગેલેરીનો દરવાજો ખોલી શકે તેમ ન હતી. જ્યારે મોટી બહેન ગેલેરીમાં લોક થઈ જતાં તે બૂમો પડવા લાગી જેથી પડોશનાં લોકોએ ભેગા થઈને ફાયરને કોલ કર્યો હતો.

You might also like