મ્યુનિ. સ્વિમિંગપૂલનાં દરમાં વધારા અને ખાનગીકરણ સામે આક્રોશ

અમદાવાદઃ AMTSને ખાનગીકરણ તરફ લઇ જઇને મ્યુનિસિપલ શાસકોએ સમગ્ર સંસ્થાને વધુ ને વધુ દેવા‌ળિયા કરી છે. એક અંદાજ મુજબ પ્રાઇવેટ ઓપરેટરોનાં રવાડે ચડીને પેસેન્જરને તો કોઇ લાભ થયો નથી, પરંતુ મ્યુનિસિપલ તિજોરીને દરરોજ રૂ. એક કરોડની જંગી ખોટ જઇ રહી છે. તેમ છતાં મ્યુનિ. સ્વિમિંગપૂલમાં ખાનગીકરણનો રસ્તો સત્તાધીશોએ પસંદ કર્યો છે.

આ સ્વિમિંગપૂલનાં સંચાલનમાં ખોટ થતી હોઇ સત્તાવાળાઓએ તેના દરમાં સો ગણો વધારો કર્યો હોઇ હવે તો ખોટનું કારણ રહેતું નથી. તેમ છતાં પાછલા બારણેથી મળતિયા કોન્ટ્રાકટરોને આર્થિક બખ્ખા કરાવવા માટે ખાનગીકરણ થઇ રહ્યું હોઇ લોકોમાં સ્વયંભૂ ભારે રોષ ફાટી નીકળ્યો છે. આજે સવારથી વિવિધ સ્વિમિંગપૂલ ખાતે મોટી સંખ્યામાં સભ્યો બેનર લઇને વિરોધ દર્શાવી રહ્યાં છે.

શહેરમાં મ્યુનિસિપલ સંચાલિત ૧૪ સ્વિમિંગપૂલ અને ભવિષ્યમાં બનનારાં સ્વિમિંગપૂલના ખાનગીકરણની તંત્રની દરખાસ્તને ભાજપના શાસકોએ લીલી ઝંડી આપી દઇને ભારે વિવાદના વમળ ઊભા કર્યા છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અગાઉની એજન્ડાની બેઠકમાં સ્વિમિંગપૂલની ફીમાં ઝીંકાયેલો બેફામ વધારાની દરખાસ્ત અને ખાનગીકરણની દરખાસ્તને ખુદ મ્યુનિસિપલ ભાજપનાં ટોચનાં હોદ્દેદારોએ વિરોધના સૂર વ્યક્ત કર્યા હતાં.

એક હોદ્દેદારે તો ચાલુ બેઠકમાં ઊભા થઇને મ્યુનિ. ભાજપના પ્રભારીને ચોખ્ખા શબ્દોમાં સંભળાવ્યું હતું કે, ‘સાહેબ આવું ન ચાલે.’ બે-ચાર સ્ટેન્ડિંગ કમિટીનાં સભ્યોએ પણ તંત્રની આ બંને દરખાસ્તને ફગાવી દેવાની ભારપૂર્વક રજૂઆત કરી હતી. જો કે સ્ટેન્ડિંગ કમિટીની એજન્ડા બેઠકમાં આ પાર્ટીનો નિર્ણય હોઇ તેમાં કોઇ ફેરફાર થઇ શકે નહીં તેવો નિર્ણય લેવાતા વિરોધી સૂર આપોઆપ શિસ્તના નામે ઠંડો પડ્યો હતો.

મ્યુનિસિપલ શાસકોએ સ્વિમિંગપૂલના સંચાલન પાછળ રૂ.૬.પ૦ કરોડનો ખર્ચ થતો હોઇ તેની સામે આવક રૂ.૩.પ૦ કરોડ દર્શાવીને આ ખોટને સરભર કરવા વાર્ષિક રૂ.૧૮૦૦ની ફીમાં ૧૦૦ ટકા વધારો સૂચવતી તંત્રની રૂ.૩૬૦૦ની સભ્ય ફીની દરખાસ્તને મંજૂરી આપી હતી. જો કે આ મંજૂરીથી આપોઆપ સ્વિમિંગપૂલનાં ખોટનો પ્રશ્ન ઉકેલાઇ જતો હોવા છતાં પણ કેટલાક મળતિયા કોન્ટ્રાકટરોને પાછલાં બારણેથી આર્થિક લાભ અપાવવા ખાનગીકરણની દરખાસ્તને લીલી ઝંડી આપી હતી.

સત્તાધીશો દ્વારા તંત્રની ખાનગીકરણની દરખાસ્તમાં લોકોની આંખમાં ધૂળ નાખવા મામુલી એવા બે સુધારા કરાયાં છે. જેમાં જે તે કોન્ટ્રાકટરને પાંચ વર્ષનાં બદલે ત્રણ વર્ષ માટે સ્વિમિંગપૂલનો કોન્ટ્રાકટ અપાશે તેમજ તમામ સત્તા કમિશનરને બદલે હવે સ્ટેન્ડિંગ કમિટી પાસે રહેશે. જોકે ખાનગીકરણ મામલે ભાજપના શાસકોની વાહીયાત દલીલ એવી છે કે, ‘હાલમાં મ્યુનિસિપલ સ્વિમિંગપૂલમાં કોઇ આંતરરાષ્ટ્રીય સ્તરનાં તરવૈયા તૈયાર થતા નથી. જોકે તેમાં ખાનગીકરણ કરવાથી આંતરરાષ્ટ્રીય સ્તરના તરવૈયા તૈયાર કરી શકાશે.’

જાણકાર સૂત્રો કહે છે, AMTS બસનાં ખાનગીકરણમાં પસ્તાયેલા શાસકો સ્વિમિંગપૂલમાં ખાનગીકરણ અપનાવીને પ્રજાની માલિકીના કરોડોના ખર્ચે તૈયાર થયેલા આ સ્વિમિંગપૂલ મળતિયા કોન્ટ્રાકટરને પધરાવવાનો મનસૂબો ધરાવતા હોવાનું સામાન્ય લોકોમાં પણ ચર્ચાઇ રહ્યું છે. જેના કારણે આજે સવારથી વિવિધ સ્વિમિંગપૂલમાં લોકોએ ખાનગીકરણ સામે વિરોધ દર્શાવવા ઉગ્ર બેનરો સાથે દેખાવો કરી રહ્યા છે.

દરમ્યાન આ અંગે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન અમૂલ ભટ્ટને પૂછતા તેમણે કંઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. આ દરમ્યાન સરદાર પટેલ સ્વિમિંગપૂલનાં સભ્ય જયેશ પટેલ કહે છે કે, ‘સ્વિમિંગપૂલનાં ખાનગીકરણ અને ફીમાં કરાયેલા બમણા વધારા સામે અમે ગઇ કાલે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા અને મેયર બીજલબહેન પટેલ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી.

આજે સવારે પણ સ્વિમિંગપૂલની અંદર અને બહાર મોટી સંખ્યામાં સભ્યો એકઠા થઇને દેખાવો કર્યા હતાં. સરદાર પટેલ સ્ટેડિયમનાં સ્વિમિંગપૂલમાં કુલ પાંચ હજારથી વધુ સભ્ય છે અને રૂ.૭પ લાખથી વધારાની જંગી એવી આવક છે. પરંતુ પ્રશ્ન સ્વિમિંગપૂલની આવકનો નથી અમારો વિરોધ સ્વિમિંગપૂલનાં વેપારીકરણ સામે છે. સ્વિમિંગપૂલને નફા-નુકસાનનાં ત્રાજવે તોળાય નહીં, કારણ કે તે પ્રજાની માલિકીનાં છે.

You might also like