AMTS નાદારીનાં આરેઃ ૨૬ અબજ ૯૧ કરોડનું અધધ દેવું!

728_90

અમદાવાદઃ એક સમયે દેશભરમાં પ્રતિષ્ઠા ધરાવતી અને શહેરની લાલ બસ તરીકે ઓળખાતી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ) ખાનગીકરણના રવાડે ચડીને વિજય માલ્યાની જેમ ગમે ત્યારે નાદારી નોંધાવે તેવી કંગાળ હાલતમાં મુકાઈ ગઈ છે. એએમટીએસ સંસ્થાના શાસકોની સૂઝબૂઝના અભાવે મ્યુનિસિપલ કોર્પોરેશનનાં દેવાંનો ડુંગર પિરાણા ખાતેના કચરાના ડુંગર કરતાં પણ વધુ મહાકાય તેમજ બિહામણો બન્યો છે. ગત તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૧૮ની તારીખમાં એએમટીએસના માથે અત્યાર સુધીનું તંત્રનું કુલ રૂ. ૨૬૯૧ કરોડ એટલે કે ૨૬ અબજ ૯૧ કરોડનું દેવું ચઢ્યું છે એટલે કે એએમટીએસ બસનાં ટાયર તો શું પણ ‌સ્ટિયરિંગ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના દેવામાં ડૂબેલાં છે.

તાજેતરમાં એએમટીએસના ચેરમેન અતુલ ભાવસાર દ્વારા આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦નું રૂ.૪૮૮.૦૮ કરોડનું બજેટ મંજૂર કરાવાયું હતું. આ બજેટમાં શાસકોએ સંસ્થાની માલિકીની ૧૩૫ બસ પૈકી રોડ પર માંડ ૯૫ બસ દોડતી હોઈ પ્રાઈવેટ ઓપરેટરોની ૬૦૬ બસનું નિયમિત સંચાલન કરવાની બાબત પર ભાર મૂકીને નાગરિકોને ચોંકાવ્યા હતા. જે સંસ્થાની વહીવટી કુશળતાની સુવાસ સમગ્ર ભારતમાં પ્રસરી હતી તે સંસ્થાના કર્તાહર્તાઓને જાહેરમાં ખાનગીકરણને પ્રોત્સાહન આપતા જોઈને સંસ્થાના કર્મઠ કર્મચારીઓનું માથું શરમથી ઝૂકી ગયું હતું.

એએમટીએસની દિન-પ્રતિદિન બદતર થતી જતી સ્થિતિ સુધારવા પ્રત્યે શાસક પક્ષ યોગ્ય વહીવટીદક્ષતા દાખવતો નથી. પરિણામે મ્યુનિસિપલ તિજાેરીમાંથી ફાળ‍વાતી કરોડો રૂપિયાની લોનની ‘કાખઘોડી’ લઈને સંસ્થાને ડગલું ભરાવવાના માઠા દિવસો આવ્યા છે.જો કે વર્ષ ૨૦૦૧-૦૨માં એએમટીએસની સ્થિતિ આટલી હદે દયનીય બની ન હતી. તે વખતે સંસ્થામાં ખાનગીકરણનો પડછાયો પણ પડ્યો ન હતો એટલે મ્યુનિસિપલ સત્તાવાળાઓ પાસેથી માત્ર રૂ. ૪.૮૩ કરોડની લોન લેવાઈ હતી, જે ક્રમશઃ પછીનાં વર્ષોમાં થોડી ગણી વધીને વર્ષ ૨૦૦૪-૦૫માં ઘટી પણ હતી.

જો કે વર્ષ ૨૦૦૬-૦૭થી પ્રાઈવેટ ઓપરેટરોનો એએમટીએસમાં પ્રવેશ થતાં સંસ્થા કફોડી સ્થિતિમાં મુકાતી જતાં આજે સંસ્થામાં પ્રાઈવેટ ઓપરેટરોની જ બોલબાલા છે, દર વર્ષે પ્રાઇવેટ ઓપરેટરોને તેમની બસ ચલાવવા માટે રૂ.૧૬૦ કરોડ ચૂકવાઇ રહ્યા છે, તેમ છતાં આવક ખાસ થતી નથી, જેના પરિણામે લોનની રકમ પણ વર્ષે-દર વર્ષે જંગી થતી ગઈ અને આજે રૂ. ૩૫૦ કરોડથી વધુ લોન મ્યુનિસિપલ તંત્ર દ્વારા એએમટીએસને ચલાવવા અપાઈ રહી છે.

શાસકોએ પ્રાઈવેટ ઓપરેટરોની એ હદે શરણાગતિ સ્વીકારી છે કે બજેટમાં પણ સત્તાધીશો પેસેન્જર સેવામાં અખાડા કરતા પ્રાઈવેટ ઓપરેટરોને પેનલ્ટી કરવાના બદલે સમજાવટનાં ગાણાં ગાય છે, જે હેઠળ શાસક પક્ષ પ્રાઈવેટ ઓપરેટરો સામેની ફરિયાદો અંગે એવું કહે છે કે, ‘પ્રવાસીઓની સેવા અગત્યની છે, પેનલ્ટી નહીં!”, જોકે એએમટીએસને દરરોજ થતી રૂ. એક કરોડની ખોટને અટકાવવામાં એએમટીએસના સત્તાવાળાઓ નિષ્ફળ નિવડ્યા છે.

છેલ્લાં પાંચ વર્ષની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એએમટીએસ તંત્રને અપાયેલી કરોડો રૂપિયાની લોનની વિગત જ ચોંકાવનારી છે. વર્ષ ૨૦૧૪-૧૫થી ગત તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૧૮ સુધીમાં જ તંત્ર દ્વારા એએમટીએસને કુલ રૂ. ૧૩૯૭.૬૫ કરોડની લોન અપાઈ છે, જોકે આ લોનની રકમમાં સૌથી આઘાતજનક બાબત એ છે કે તંત્ર દ્વારા વી.એસ. હોસ્પિટલ, એમ.જે. લાઈબ્રેરી અને સ્કૂલબોર્ડને પ્રતિ નાણાકીય વર્ષમાં કરોડો રૂપિયા ગ્રાન્ટ પેટે અપાય છે.

પરંતુ અમદાવાદીઓ માટે બીઆરટીએસ બસ સર્વિસ બાદ આજેય જાહેર પરિવહન સેવાની દૃષ્ટિ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ એએમટીએસ બસ સર્વિસના સંચાલન માટે મ્યુનિસપલ સત્તાવાળાઓ ગ્રાંટ આપવાના બદલે લોન આપે છે, જોકે આ લોનની રકમને ગ્રાન્ટમાં તબદીલ કરવાની એએમટીએસના સત્તાવાળાઓ અવારનવાર મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વગેરે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓને કાકલૂદી કરે છે તેમ છતાં આની હજુ સુધી કોઈ અસર થઈ નથી!

You might also like
728_90