અકસ્માતના અડધા કલાક પહેલાં જ બસ રિપેરિંગમાંથી આવી હતી!

અમદાવાદ: નહેરુબ્રિજ પાસેના ગત ગુરુવાર સાંજના અરેરાટીભર્યા અકસ્માતમાં એએમટીએસ બસના ડ્રાઇવરની બ્રેક ફેલ થઇ હતી તેવા તંત્રના દાવાની સત્યતા સામે ગંભીર પ્રશ્નાર્થ સર્જાયો છે. ખુદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલે ડ્રાઇવરનો પગ ભૂલથી બ્રેકના બદલે એક્સીલેટર પર મુકાઇ ગયો હતો તેવું નિવેદન મીડિયા સમક્ષ આપ્યું છે તો બીજી તરફ એએમટીએસના સત્તાવાળાઓની પ્રારંભિક તપાસમાં અકસ્માતના અડધા કલાક પહેલાં પણ ડ્રાઇવરની બ્રેક ફેલની ફરિયાદ ન હતી તે બાબત પ્રકાશમાં આવી છે. સત્તાવાળાઓએ આરટીઓ અને ટ્રાફિક પોલીસના આજે આવનારા રિપોર્ટ બાદ પણ બ્રેક ફેલનું કોકડું ન ઉકલાય તો બસની કંપની ટાટાના નિષ્ણાતોની મદદ લેવાનો નિર્ણય કર્યો છે.

એએમટીએસ રૂટ નં.૩૧/પના લાલદરવાજાથી માધવનગર જતી બસના ડ્રાઇવર રમેશ ચૌહાણની બ્રેક ફેલ થવાથી બે નાગરિકના મોત થયા હોવાના એએમટીએસ સત્તાવાળાઓનાે શરૂઆતનો દાવો શંકાના ઘેરામાં આવી ગયો છે કેમ કે બોડી નં. જેટી ૦૬૪ અને આરટીઓ નંબર જીજે-૦૧-બીવી-૯૯૧ર તેમજ આરટીઓ ર‌િજસ્ટ્રેશન તા.૩ સપ્ટે., ર૦૧૦ ધરાવતી આ બસની અકસ્માતના દિવસે બંને પાળીમાં ગિયર હાઉસિંગ બોલ્ટ લુઝ હોવાની ફીટર કેબિનમાં ફરિયાદ કરાઇ હતી.

સાંજે ૪-૧૦ થી ૪-ર૦ના સમયગાળામાં બીજી પાળીના ડ્રાઇવરે રમેશ ચૌહાણની ફરિયાદના આધારે લાલ દરવાજાના ફીટર કેબિનના સ્ટાફે ગિયર હાઉસિંગ બોલ્ટને ટાઇટ કરવા ઉપરાંત બદલ્યા પણ હતા. જોકે આમાં બ્રેક ફેલની ફરિયાદનો કોઇ ઉલ્લેખ જ નથી. ફિટર કેબિન પર થયેલી મરામત બાદ જ નહેરુબ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો એટલે બ્રેક-ફેલની તંત્રની પ્રારંભિક થિયરી જ તંત્રના દિવસ દરમ્યાન મેળવેલા રિપોર્ટમાં શંકાસ્પદ બની છે.

ઓગસ્ટ મહિનામાં આ બસનું પહેલાં તા.૪ ઓગસ્ટ અને પછી તા.૧ર ઓગસ્ટે વર્કશોપમાં અન્ય કારણસર રિપેરિંગ કરાયું હતું. તા.૪ ઓગસ્ટે એરપ્રેશર ચઢતું ન હોવાથી વર્કશોપના કર્મચારીઓ શૈલેશ કોષ્ટી અને જતનભાઇએ તેમજ તા.૧ર ઓગસ્ટે સ્ટિયરિંગ કામ કર્યું હતું. ગત તા.૪ ઓગસ્ટે જ બસ સ્ટાર્ટીંગના પ્રશ્ને બ્રેકડાઉન થતા કર્મચારી ભાનુભાઇએ ઓલ્ટરનેટર ચેન્જ કર્યું હતું. પરંતુ વહીવટી સત્તાવાળાઓ પાસેના રિપોર્ટમાં બ્રેક સંબંધિત કોઇ રિપે‌િરંગ કામગીરી કરાઇ નથી તે ઉલ્લેખનીય રહેશે. નહેરુબ્રિજ અકસ્માતના પગલે એએમટીએસના સત્તાવાળાઓ દ્વારા ટર્નિંગ રસ્તા પર બસની ઓવરસ્પીડ તેમજ રફ ડ્રાઇ‌િવંગ તપાસવા સરપ્રાઇઝ ચેકિંગ કરવાનું, નક્કી કરાયેલા ચાર રસ્તા પર સીસીટીવી કેમેરા મૂકીને ઓવર સ્પીડ કે રફ ડ્રાઇ‌િવંગનું મોનિટરીંગ કરવાનું તેમજ કંડકટર દ્વારા ખાનગી ઓપરેટરના ડ્રાઇવરોની વર્તણૂક અંગે રિપોર્ટ લેવાે વગેરે નીતિ નિર્ધા‌િરત કરાઇ છે.ટ્રાન્સપોર્ટ મેનેજરનો હવાલો સંભાળતા ડે. મ્યુનિ. કમિશનર આર્જવ કહે છે, આજે આરટીઓ તેમજ ટ્રાફિક પોલીસનો રિપોર્ટ આવી જશે. આ રિપોર્ટમાં બ્રેક ફેલિંગ બાબતે વિરોધાભાસ હશે તો ટાટા કંપનીના નિષ્ણાતોને બોલાવીને તેમનો અભિપ્રાય લેવાશે.

You might also like