હવે તપાસ સમિતિ એસી ચેમ્બરમાં બેસીને નિકોલકાંડની તપાસ કરશે

અમદાવાદ: ગયા મંગળવારે સવારે નિકોલ ગામ રોડ ખાતે કોર્પોરેશનના ડિમોલેશન દરમિયાન ચાર નાગરિકનાં કરુણ મોત નિપજ્યાં હતાં. નિકોલ કરુણાંતિકાને આજે એક અઠવાડિયું પૂરું થયું છે. ચાર સભ્યોની તપાસ સમિતિએ ફકત એક વખત ઘટના સ્થળે મુલાકાત લીધી છે અને હવે આ સમિતિ એસી ચેમ્બરમાં બેસીને જ સમગ્ર કરુુણાંતિકાની તપાસ કરવાની છે.

કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર કિશોર બચાણી, આઇ. કે. પટેલ, આર.બી. બારડ તેમ જ રાજ્ય સરકારના વિજિલન્સ વિભાગના ચીફ એન્જિનિયર પી.પી. વખારિયાની બનેલી તપાસ સમિતિ પાસે નિકોલ કરુણાંતિકામાં ન્યાય મેળવવાની લોકો આશા રાખીને બેઠા છે. તપાસ સમિતિના મામલે પણ ચાર નાગરિકનાં મોત બાદ ગણતરીના કલાકોમાં ત્રણ ત્રણ વખત ફેરફાર થયા હતા.

જો કે પોલીસ તંત્રને એક અઠવાડિયા બાદ પણ ડિમોલિશન દરમિયાન હાજર સ્ટાફનાં નામ, હોદ્દો આપવામાં ઠાગાઠૈયા કરનાર મ્યુનિ. તંત્રની નિષ્કિય તપાસ સામે પણ પ્રશ્નચિન્હ ઉદ્ભવ્યું છે. આ તપાસ સમિતિએ ગયા શનિવાર સવારે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

રાજય સરકારના વિજિલન્સ વિભાગના ચીફ એન્જિનિયર પી.પી. વખારિયાને કે કોર્પોરેશનના અન્ય ત્રણ ડે.કમિશનરને એક સાથે ભેગા થવાનો સમય ન મળતો હોઇ નિકોલ કરુણાંતિકામાં એક ડગલું પણ આગળ વધી શકાયું નથી. મ્યુનિ. તંત્ર દ્વારા પોલીસ તંત્ર તો ઠીક પણ જે સમિતિમાં ખુદ કોર્પોરેશનના ત્રણ-ત્રણ ઉચ્ચ અધિકારીઓ બિરાજે છે તે સમિતિને પણ ડિમોલિશન દરમિયાન ફરજ પર હાજર સ્ટાફનાં નામ આપ્યાં નથી!

તપાસ સમિતિના એક સભ્ય કહે છે, સમિતિને હજુ સુધી ડિમોલીશન સ્ટાફના નામ અપાયા નથી કે સમિતિએ ગયા શનિવારની ઘટનાસ્થળની મુલાકાત બાદ કોઇ બેઠક યોજી નથી. એક-બે દિવસમાં તપાસ સમિતિની બેઠક બોલાવવાની દિશામાં વિચારી રહ્યા છીએ. પરંતુ ફરીથી ઘટનાસ્થળની મુલાકાત લેવાની કોઇ શકયતા નથી! ત્યાં ફરીથી વાનો કોઇ અર્થ પણ નથી! સ્થાનિક લોકોનાં રોષથી બચવા જ તપાસ સમિતિ પુનઃ ઘટના સ્થળની મુલાકાત લેવાનું ટાળી રહી હોવાની ચર્ચા ઊઠી છે.

You might also like