અમદાવાદમાં રખડતાં ઢોરે કોર્પોરેશનને હંફાવ્યું!

અમદાવાદ: અમદાવાદમાં રખડતાં ઢોરોની સમસ્યા આજ કાલની નથી. અમદાવાદની હદ વધી ગઇ તેમ તેમ ગામતળના વિસ્તારો શહેરીકરણના ભોગ બનીને ગૌચરની જમીન નષ્ટ થતી ગઇ. બીજી તરફ મ્યુનિસિપલ સત્તાવાળાઓ સમયની સાથે તાલ ન મેળવી શકવાથી રખડતાં ઢોરનો પ્રશ્ન વિકટ બનીને રોજબરોજની જિંદગીમાં નિર્દોષ નાગરિકો માતેલા સાંઢ અને મારકણી ગાયની હડફેટે ચઢીને અકસ્માતોનો ભોગ બની રહ્યા છે. અત્યારે તો આગ લાગે ત્યારે કૂવો ખોદનારું તંત્ર હાઇકોર્ટની લાલ આંખથી ભયભીત થઇને રખડતાં ઢોરને પકડીને ઢોરવાડાને હવાલે કરી રહ્યો છે. તેમ છતાં સત્તાવાળાઓ કામગીરીના સત્તાવાર આંકડાને જોતા રખડતાં ઢોરને પકડવામાં કોર્પોરેશન રીતસરનું હાંફી ગયું છે તેમ પ્રથમ દૃષ્ટિએ જણાઇ આવે છે.

શહેરમાં રખડતાં ઢોરના ત્રાસ પર અંકુશ મૂકવા ખાસ ઢોર ત્રાસ અંકુશ વિભાગ ચાલે છે. કેટલ ન્યુસંસ કંટ્રોલ‌ ડિપાર્ટમેન્ટ (સીએનસીડી) તરીકે પણ ઓળખાતા આ વિભાગની નિભાવણી પાછળ મ્યુનિસિપલ તિજોરીમાંથી દર વર્ષે લાખો રૂપિયા ખર્ચાય છે. રખડતાં ઢોર પકડતી વખતે સ્ટાફની સલામતી માટે ખાસ પોલીસ મહેકમ મુકાયું છે. જેના વડા તરીકે ડેપ્યુટી સુ‌પરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ કક્ષાના ઉચ્ચ અધિકારી છે. આ પોલીસ ટીમના પગાર-ભથ્થાં પણ મ્યુનિસિપલ તંત્ર ચૂકવે છે.
છેલ્લા એક મહિના માત્ર અને માત્ર રર૯૦ ઢોર પકડીને બહેરામપુરાના ઢોરવાડામાં પુુરી શકાયા છે. એટલે કે એક દિવસના ૭૭ ઢોર પણ પકડાયા નથી.

આજે પણ શહેરના વેજલપુર, ઘાટલોડિયા, પાવાપુરી, ગોતા, રાણીપ અને વાડજ સહિતના અનેક વિસ્તારમાં રખડતાં ઢોરના ત્રાસથી શહેરીજનો દુઃખી છે. લેભાગુ તત્ત્વોની ધર્મભીરુ લોકોને પુણ્ય (?) કમાવી આપવા માટેની રસ્તા પર ઘાસ વેચવાની સેંકડો હાટડી આજે પણ ધમધમે છે. તેમ છતાં મ્યુનિસિપલ સત્તાવાળાઓ કેટલાક માથાભારે લોકોની ‘શેહશરમ’ ભરીને કોર્પોરેશનની લાખ રૂપિયાની આબરૂના ધજાગરા ઉડાવીને તેને ટકાની કરી રહ્યા છે.

You might also like